માલધારી પર સિંહના હુમલાનો લાઈવ વિડીયો વાયરલ : વનવિભાગની ટીમો દોડી ગઈ
ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામ ખાતે આજે સવારે બનેલી ઘટના
ભાવનગર તા.6
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે સવારે સિંહે એક માલધારી પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સિંહના હુમલામાં લોહિલુહાણ થયેલ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાઈ છે. સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીર પર ઈજાઓ થઈ છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા આજે સવારે પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


