દેવભૂમિ દ્વારકામાં આરોગ્ય ક્ષેત્રે SDG સૂચાંક સુધારવા જીલ્લા કક્ષાની જનચેતના વર્કશોપ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૦
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા તેમજ આરોગ્ય ક્ષેત્રે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસ.ડી.જી.)ના સૂચાંકમાં ગુણાત્મક સુધારો થાય તે હેતુથી જિલ્લા કક્ષાની જનચેતના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં જિલ્લાના વિવિધ વિભાગોના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સેલ્ફ હેલ્થ ગ્રુપના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ, માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, પોષણ, ચેપી અને બિનચેપી રોગોના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય સંબંધિત એસ.ડી.જી. સૂચાંકમાં સુધારો લાવવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી પણ અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. વર્કશોપ દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ તથા સેલ્ફ હેલ્થ ગ્રુપના સભ્યોએ પોતાના અનુભવો અને સૂચનો રજૂ કર્યા હતા. આરોગ્ય જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવું, ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધારવી, જનસહભાગિતાને પ્રોત્સાહન આપવું તેમજ આરોગ્ય સંબંધિત યોજનાઓનો વધુમાં વધુ લાભ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આરોગ્ય વિભાગની આ પહેલને આવકારી હતી અને ભવિષ્યમાં પણ આરોગ્યલક્ષી જનજાગૃતિ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. અંતમાં આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


