જૂનાગઢમાં ઇનરવ્હીલ ક્લબનો શપથવિધિ સમારોહ યોજાયો
હર્ષીદાબેન રૂપારેલિયાએ વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે સંભાળ્યો કાર્યભાર; સેવાભાવ, મહિલા સશક્તિકરણ અને સમાજકલ્યાણના સંકલ્પો સાથે નવા કાર્યકારી મંડળે શપથ લીધા
જૂનાગઢ, તા. 10
આંતરરાષ્ટ્રીય મહિલા સેવાકીય સંસ્થા ઇનરવ્હીલ ક્લબ દ્વારા વર્ષ 2026-27ના નવા કાર્યકારી મંડળની શપથવિધિ સમારોહ શહેરના ગાર્ડન કાફે ખાતે ભવ્ય, ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં સેવા, સમર્પણ અને સંગઠનની ભાવના છલકાઈ રહી હતી. શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, મહિલા અગ્રણી, ક્લબના સભ્યો અને આમંત્રિત મહેમાનોની નોંધપાત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે શ્રીમતી હર્ષીદાબેન રૂપારેલિયાએ વિધિવત્ શપથ ગ્રહણ કરી ક્લબનું સુકાન સંભાળ્યું હતું. શપથગ્રહણ બાદ ઉપસ્થિત મહેમાનો અને સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન તરીકે દૈનિક શરૂઆતના તંત્રીશ્રી અલ્પાબેન ઉનડકટ, સમાજસેવિકા સાધનાબેન ર્નિમળ, જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મહિલા મેયર આદ્યાશક્તિબેન મજમુદાર તેમજ ચેતનાબેન મિશ્રાણી સહિત શહેરની અનેક અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહેમાનોએ ઇનરવ્હીલ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને નવા કાર્યકારી મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજમાં મહિલાઓની આગેવાની અને સેવાકીય પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવી વધુને વધુ જનકલ્યાણના કાર્યો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. નવનિયુક્ત પ્રમુખ હર્ષીદાબેન રૂપારેલિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઇનરવ્હીલ ક્લબ આગામી વર્ષ દરમ્યાન મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જાગૃતિ, રક્તદાન, જરૂરિયાતમંદોને સહાય, બાળકલ્યાણ અને વિવિધ સામાજિક સેવાકીય કાર્યક્રમોને વધુ વેગ આપશે. ક્લબના દરેક સભ્યના સહયોગથી સેવા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નવા કાર્યકારી મંડળમાં કુમુદબેન ઠાકર, દીપ્તિબેન અમરોલીયા, ફાલ્ગુનીબેન જેઠવા, ભાવનાબેન પલાણ, સ્વાતિબેન જાેષી, પૂર્વીબેન ઠાકર, નીલાબેન પોપટ તથા રસીલાબેન રૂપારેલિયાની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે એક્ઝિક્યુટિવ કમિટીમાં રશ્મિબેન વિઠલાણી, સીમાબેન ચોકસી, કર્મજ્ઞાબેન બુચને જવાબદારી સોંપવામાં આવી હતી. સમગ્ર નવા કાર્યકારી મંડળને કર્મજ્ઞાબેન બુચે શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ દરમ્યાન તમામ હોદ્દેદારોએ ઇનરવ્હીલના આદર્શોને વરેલી રાખી નિ:સ્વાર્થ સમાજસેવા, મહિલા વિકાસ અને માનવકલ્યાણના કાર્યોને નવી ઊંચાઈએ પહોંચાડવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર, સુવ્યવસ્થિત અને અસરકારક સંચાલન રશ્મિબેન વિઠલાણીએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રમુખ આરતીબેન જાેષીના કાર્યકાળ દરમિયાન થયેલી સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈ તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, નવા હોદ્દેદારો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌએ નવા કાર્યકારી મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી અને ઇનરવ્હીલ ક્લબ આગામી સમયમાં વધુ સેવાકીય અને જનકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. આભારવિધિ સાથે ભવ્ય શપથવિધિ સમારોહનું સફળ સમાપન થયું હતું.


