સુરતમાંથી પોરબંદર સાયબર ફ્રોડ કેસનો છ માસથી ફરાર આરોપી ઝડપાયો
(પ્રતિનિધી દ્વારા)
ગોસા(ઘેડ) તા.10
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મ્યુલ એકાઉન્ટ (સાયબર ફ્રોડ) સંબંધિત ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપીને પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે સુરત શહેરમાંથી ઝડપી પાડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભારત સરકારના NCCRP પોર્ટલ અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 મારફતે નોંધાતી ફરિયાદોના આધારે વિવિધ બેંક ખાતાઓમાં થયેલી શંકાસ્પદ લેવડ દેવડની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા “ઓપરેશન મ્યુલ હન્ટ” હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ ધારકો અને સંકળાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન પોરબંદર જિલ્લાના SBI બેંક એકાઉન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી થયેલી કુલ છ સાયબર ફ્રોડ ફરિયાદોની રકમ જમા થયેલી હોવાનું બહાર આવ્યું હતું. કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં નોંધાયેલી ફરિયાદોના આધારે કુલ રૂ.7.50લાખ જેટલી રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 317(2), 317(4), 317(5), 318(4) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000ની કલમ 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ સંડોવાયેલ આરોપી ધવલ રમેશભાઈ હીરપરા (ઉ.વ. 26), મૂળ ચારણીયા ગામ, તા. જેતપુર, જી. રાજકોટ તથા હાલ સુરત નિવાસી, છેલ્લા છ માસથી ફરાર હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓની શોધખોળ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઈ વરૂ, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા જેતમલભાઈ મોઢવાડિયાને મળેલી બાતમીના આધારે સુરત શહેરમાં તપાસ હાથ ધરી આરોપી ધવલ હીરપરાને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને વધુ તપાસ અર્થે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


