કેનેડામાં બિશ્નોઈ ગેંગનો આતંક : ઉદ્યોગપતિની હત્યા કરી : પંજાબી સીંગરના ઘર પર ફાયરીંગ
(એજન્સી) ટોરેન્ટો, તા.૨૯:
કેનેડામાં ગેંગ વોર વધી રહી છે, ખાસ કરીને ભારતીય ગેંગસ્ટરોએ ત્યાં વિનાશ વેર્યો છે. તાજેતરની ઘટનામાં, લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી એકવાર કેનેડિયન ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી દીધી. આ ઘટના પછી તરત જ, ગેંગે પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર કર્યો. ગેંગે આ ઘટનાનો એક વીડિયો પણ બહાર પાડ્યો. બાદમાં, બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટમાં આ ઘટનાની ઔપચારિક જવાબદારી સ્વીકારી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી ધિલ્લોને સોશિયલ મીડિયા પર બંને ઘટનાઓની જવાબદારી લીધી છે. પોતાની પોસ્ટમાં, તેણે દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે ડ્રગ્સના મોટા વેપારમાં સામેલ હતો. તેણે એમ પણ લખ્યું હતું કે બિશ્નોઈ ગેંગે તેને ત્યારે મારી નાખ્યો જ્યારે તેણે તેમને પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક જ દિવસમાં બે ઘટનાઓને અંજામ આપી હતી અને અલગ અલગ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જવાબદારી સ્વીકારી હતી.


