કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત ૨૦૨૭ બાદ દરેક કેસનું ૩ વર્ષની અંદર નિરાકરણ આવી જશે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૪
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જયપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે JECCમાં ત્રણ નવા ગુનાહિત કાયદા પર આધારિત રાજ્ય સ્તરીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કાયદા-ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ દેશની ન્યાય પ્રણાલીમાં ઐતિહાસિક બદલાવ લાવનારા છે. શાહે કહ્યું કે આ કાયદાને સંપૂર્ણપણે લાગુ કરવામાં બે વર્ષ લાગશે, પણ ૨૦૨૭માં નોંધાયેલી દરેક ફરિયાદમાં ત્રણ વર્ષની અંદર સુપ્રીમ કોર્ટ સુધીમાં ન્યાય મળવાની ખાતરી કરવામાં આવશે. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આ ખાલી કાનૂની સુધાર નથી, પણ દેશની ન્યાય વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન છે. તેમણે તેને ઇઝ ઓફ લિવિંગ સાથે ઇઝ ઓફ જસ્ટિસની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે. શાહે જણાવ્યું કે, પહેલા પોલીસ દ્વારા પકડેલા ૧૦૦ ગુનેગારોમાંથી ખાલી ૪૨ને સજા મળતી હતી, જે હવે વધીને ૬૦ ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે આ કાયદા સંપૂર્ણપણે લાગુ થઈ જશે તો આ આંકડો ૯૦ ટકા સુધી પહોંચી જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, નવા કાયદામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અલગથી જાેગવાઈ કરી છે. ૭ વર્ષથી વધારે સજાવાળા કેસમાં હવે ફોરેન્સિક તપાસ ફરજિયાત છે. આતંકવાદ, મોબ લિંચિંગ અને સંગઠિત ગુનાની સ્પષ્ટ પરિભાષા નક્કી કરી છે. હવે ૯૦ દિવસની અંદર કેસની ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. શાહે કહ્યું કે, આ બદલાવ ૨૧મી સદીનો સૌથી મોટો ન્યાયિક સુધાર છે અને તેનાથી દેશની આપરાધિક ન્યાય સિસ્ટમ દુનિયામાં સૌથી આધુનિક બની જશે.


