બિહારમાં ૩/૪ બહુમતી સાથે એનડીએનો પ્રચંડ વિજય - મહાગઠબંધનનો સફાયો

ર૪૩ બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં એનડીએને ૧૯૬, ઈન્ડિયા ગઠબંધનને ૪૧, અન્યને ૪ બેઠકો મળી રહી છે : ૮૯ બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો : વડાપ્રધાન મોદીનો જાદુ યથાવત

બિહારમાં ૩/૪ બહુમતી સાથે એનડીએનો પ્રચંડ વિજય - મહાગઠબંધનનો સફાયો

પટના તા.૧૪
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ જનતાદળ યુનાઈટેડના નેતા નિતીશકુમારના નેતૃત્વ હેઠળ ભાજપ સહિતના પક્ષોના એનડીએ ગઠબંધન દ્વારા બિહારમાં પ્રચંડ વિજય પ્રાપ્ત થયો છે. એનડીએના ઉમેદવારો ૧૯૪ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જયારે આરજેડીના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ સહિતના મહાગઠબંધનના મોરચાને માત્ર ૪ર બેઠકો મળી રહી છે. આમ બિહારની જનતાને આ ચૂંટણીમાં સ્પષ્ટપણે પોતાનો જનાદેશ આપી દીધો છે. અને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેજીક છવાઈ ગયો છે. બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો એકઝીટ પોલના તારણો મુજબ જ આવ્યા છે. આ ચૂંટણીમાં એકઝીટ પોલ ૧૦૦ ટકા સાચા પડયા છે. પરિણામો સ્પષ્ટ થઈ જતાં હવે બિહારમાં ફરી એકવાર નીતીશકુમારના મુખ્યમંત્રી પદે રીપીટ થવાની શકયતા જાેવાઈ રહી છે. આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે પરિણામ જાહેર થઈ ગયા બાદ નવી સરકારની રચના માટેની ગતિવીધી શરૂ થઈ જશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને ૩/૪ બહુમતી મળી છે. 

બપોરે ૧ર.૩૦ કલાકે પ્રાપ્ત થતા તમામ બેઠકોના ટ્રેન્ડ અનુસાર રાજ્યમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી છે અર્થાત રાજ્યમાં સત્તાનું સુકાન ફરી એકવખત એનડીએના હાથમાં છે. રાજ્યમાં પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારનો ‘જાદુ‘ ફરી એક વખત ચાલી ગયો છે. ટ્રેન્ડમાં જ એનડીએને બે તૃત્યાંશ બહુમતી મળી ગઈ છે જ્યારે રાજદ-કોંગ્રેસ વગેરેના બનેલા મહાગઠબંધનની હવા નીકળી ગઈ છે રાજ્યમાં પ્રશાંત કિશોરના પક્ષનું નામોનિશાન જોવા મળતું નથી. આ લખાય છે ત્યારે રાજ્યની તમામ ૨૪૩ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે તેમાંથી ૧૮૯ બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહયા છે જ્યારે પ૦ બેઠક પર મહાગઠબંધન આગળ ચાલી રહયું છે. એનડીએમાં જેડીયું ૭૯, ભાજપ ૮૯, એલજેપી ર૧, એચએએમ પ, આરએએમના ઉમેદવારો ૩ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે મહાગઠબંધનમાં રાજદ ૩૦, કોંગ્રેસ ૪, વીઆઈપી ૦, ડાબેરી ૮ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. 
અત્રે એ નોંધનીય છે કે, કુલ ૨૪૩ બેઠકમાંથી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર રહે છે. રાજય માટે જાહેર થયેલા એકઝીટ પોલ સાચા ઠર્યા છે.અત્યાર સુધીના મત ગણતરીના વલણો આ વખતે તેજસ્વી યાદવને ભારે ફટકો આપ્યો છે. 
પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીનું સુરસુરીયું થઈ ગયું એકપણ બેઠક મળી નહીં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજ પાર્ટીનું સુરસુરીયું થઈ ગયું છે. જન સુરાજ પાર્ટીનો એકપણ ઉમેદવાર જીતી શક્યો નથી. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીને બિહારમાં ત્રીજા વિકલ્પ તરીકે જાેવામાં આવી રહી હતી. પરંતુ  પ્રશાંત કિશોરનો જાદુ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.