સુપ્રીમ કોર્ટે વોટ ચોરીના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો

સુપ્રીમ કોર્ટે વોટ ચોરીના આરોપોના તપાસની માંગ કરતી અરજી ફગાવી

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૪
થોડા સમય પહેલાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે બેંગ્લુરુ સેન્ટ્રલ સહિત અનેક વિધાનસભા વિસ્તારોમાં વોટ ચોરીનો દાવો કર્યો હતો, જેની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. જાેકે, અદાલતે આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવાની માંગણી કરાઈ હતી. જાેકે, સર્વોચ્ચ અદાલતે આ અરજીને નકારી કાઢી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલા બાગચીની બેન્ચે આ અરજી ફગાવતાં કહ્યું કે, આ મામલો ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેથી આ મુદ્દા બાબતે ચૂંટણી પંચ પાસે જાઓ.
કોર્ટે કહ્યું, અમે અરજદારના વકીલની વાત સાંભળી. કથિત રીતે આ અરજી જનહિતમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ અમે આવી કોઈ પણ અરજી પર સુનાવણી નહીં કરીએ. અરજદાર આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારનો પક્ષ રજૂ કરનાર એડવોકેટ રોહિત પાંડેએ જણાવ્યું કે, આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આમ છતાં, કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ૭ ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કર્યો હતો.  તેમણે સત્તાધારી પાર્ટી ભાજપ પર વોટ ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આરોપો પર પ્રતિક્રિયા આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમને ૭ દિવસની અંદર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી કમિશનરનું કહેવું હતું કે જાે તેઓ આવું નહીં કરે, તો તેમણે પોતે જ પોતાના આરોપોને પાયાવિહોણા માનવા પડશે.