ગાંધીધામ અને મુન્દ્રામાં આયાત-નિકાસના ઓઠા હેઠળ વિદેશમાં નાણા મોકલવાનું નાણાકીય કૌભાંડ : રૂા.૮૦૪ કરોડના શંકાસ્પદ વ્યવહારો ઝડપાતા ખળભળાટ

ગાંધીધામ અને મુન્દ્રામાં આયાત-નિકાસના ઓઠા હેઠળ વિદેશમાં નાણા મોકલવાનું નાણાકીય કૌભાંડ : રૂા.૮૦૪ કરોડના શંકાસ્પદ વ્યવહારો ઝડપાતા ખળભળાટ

ભુજ તા.૨૪: 
કચ્છના બંદરીય શહેરો ગાંધીધામ અને મુન્દ્રામાં આયાત નિકાસના ઓઠા તળે વિદેશમાં નાણાં મોકલવાના (Froeign Remittances) બહાને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાનું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. ૮૦૪.૩૦ કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પકડાતા કૌભાંડ કરનારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડીમાં ખોટા પ્રમાણપત્રોનો ખેલ: વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ શેલ/બોગસ કંપનીઓ દ્વારા વિદેશમાં મોટા પાયે નાણાં મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં ૫ લાખથી વધુની રકમ મોકલવા માટે CA દ્વારા આપવામાં આવતું From 15CB સટિર્ફિકેટ ફરજિયાત હોય છે. આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે કોઈપણ પ્રકારના હિસાબી ચોપડા, બેંક ખાતા, કરારો કે દસ્તાવેજી પુરાવાની યોગ્ય ચકાસણી કર્યા વિના જ ૫૦૦થી વધુ બોગસ ફોર્મ ૧૫ સીબી ઇસ્યુ કરી દીધા હતા. આ સીએ (CA) ગ્રુપે કંપનીના અસલી ડિરેક્ટરો કે માલિકો સાથે વાતચીત કર્યા વિના, માત્ર વચેટિયાઓ મારફતે આખી પ્રક્રિયા સંભાળી હતી અને બદલામાં રોકડા રૂપિયામાં કમિશન મેળવ્યું હતું. ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે કે, ચોપડે દર્શાવેલા સરનામા પર વાસ્તવમાં કોઈ કંપની જ હયાત નહોતી. ગાંધીધામ ઇન્કમટેક્સ ઓફિસના ઇન્સ્પેક્ટરની સત્તાવાર ફરિયાદના આધારે ‘એ‘ ડિવિઝન પોલીસે તમામ ૯ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનાહિત કાવતરું રચવા, છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવવા અંગે ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.