જીઆઈડીસી-રનાં વેપારીઓની એકતાનો વિજય - કોર્પોરેશનનાં પદાધિકારીઓ દોડતા થઈ ગયા : રસ્તા બનાવવાની કામગીરી તત્કાલ હાથ ધરાઈ
જૂનાગઢની જનતા પણ હવે રસ્તા બાબતે યુધ્ધ એજ કલ્યાણની નીતિ અપનાવે તો તાત્કાલીક નવા રસ્તા બની જશે....!!!
જૂનાગઢ તા. ૧
જૂનાગઢ શહેરની ઔદ્યોગીક વસાહત એવા જીઆઈડીસી-રમાં રસ્તાઓની અત્યંત ભયંકર હાલતને લઈને વેપારીઓને માલની અવરજવર તેમજ લાવવા લઈ જવા ઉપર ભારે મોટી સમસ્યા ઉઠવા પામી હતી. કોર્પોરેશનનાં નિંભર તંત્રએ અગાઉ વચન આપ્યું હતું પરંતુ સારા રસ્તા બનાવવાનાં વચનને મનપાનાં શાસકો ભુલી ગયા હતા અને જેને લઈને જીઆઈડીસી-રનાં ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા હવે યુધ્ધ એજ કલ્યાણની નીતિ અપનાવી ગઈકાલથી લડતનાં મંડાણ કર્યા હતા અને આજે જૂનાગઢ - રાજકોટ હાઈવે જીઆઈડીસી-ર પાસે રસ્તા રોકો અને ચક્કાજામ કરવાનો કાર્યક્રમ નિર્ધારીત કરવામાં આવ્યો હતો વેપારીઓ ગેઈટ પાસે ઉપસ્થિત રહયા હતા દરમ્યાન મનપાનાં મેયર ધર્મેશ પોશિયા અને પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલીક જીઆઈડીસી-રનાં રસ્તા બનાવી આપવાની લેખિત બાહેંધરી આપતા આખરે આ આંદોલનને સ્થગીત કરવામાં આવ્યું હતું. ફેકટરી ઓનર્સ એસોસીએશનનાં પ્રમુખ પરેશ ચોવટીયાએ જણાવ્યું હતું કે, આજથી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મેયરશ્રીએ રસ્તા તાત્કાલીક બનાવી આપવાની ખાત્રી આપતા આંદોલનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. વેપારીઓએ જેમ એકતા દર્શાવી આંદોલન કર્યુ તેમ જૂનાગઢનાં લોકો પણ રસ્તા ઉપર ઉતરી જશે તો શાસકોને તાત્કાલીક રસ્તા બનાવવા મજબુર બનવું પડશે અને ઘુંટણીયે પડી જશે.
જૂનાગઢ નજીક આવેલા જીઆઈડીસી-રનાં ગેઈટ પાસે પાણીનાં નીકાલ માટે હાઈવેનાં પુલની કામગીરી સબબ આ રસ્તો બંધ કરવામાં આવેલ હતો અને વૈકલ્પિક વ્યવસ્થા માટે જીઆઈડીસી-રમાં ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું અને જૂનાગઢથી રાજકોટ તરફ જતાં તમામ નાના-મોટા વાહનોની રફતાર સતત ચાલી હતી જેને લઈને જીઆઈડીસી-રનાં રસ્તાઓ તુટી ફુટી ગયા હતા પુલની કામગીરી પૂર્ણ થતાં આ ડ્રાઈવર્ઝન બંધ કરવામાં આવ્યું હતું. જે તે વખતે કોર્પોરેશને એવું વચન આપ્યું હતું કે, પુલનું કામ પુર્ણ થયા બાદ જીઆઈડીસી-રનાં રસ્તા બનાવી આપવામાં આવશે પરંતુ આવું કોઈ વચનનું પાલન કોર્પોરેશને ન કરતા આખરે વેપારીઓને શાસકોની શાન ઠેકાણે લાવવા આંદોલનનું રણશીંગુ ફુકવું પડયું હતું અને આખરે શાસકોએ રસ્તા બનાવી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરથી જૂનાગઢનાં લોકોએ પણ બોધ લેવાની જરૂર છે કે છેલ્લા કેટલાક સમય થયા જૂનાગઢ શહેરનાં ભંગાર રસ્તાઓને કારણે નગરજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે ત્યારે શાસકોની શાન ઠેકાણે લાવવા માટે નગરજનો સૌ એક થઈ શાસકો સામે લડતનાં મંડાણ કરે તો ચોકકસ જૂનાગઢ શહેરનાં રસ્તાઓ તાત્કાલીક બનાવી દેવા માટે શાસકો ઘુંટણીએ પડે તેમ છે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.


