ટ્રેડ વોર શરૂ : ટ્રમ્પે ચીન પર ૧૦૦ ટકા જંગી ટેરિફ લાદી
(એજન્સી) વોશિગ્ટન તા.૧૧:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ નવેમ્બરથી ચીન પર ૧૦૦ ટકા જંગી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફ ચીન સામે હાલમાં લાગુ કરાયેલા અન્ય કોઈપણ ટેરિફ ઉપરાંત હશે. ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે અમેરિકા તમામ મહત્વપૂર્ણ સોફટવેર નિકાસ પર પ્રતિબંધ મૂકશે. ટ્રમ્પના આ પગલાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવા અને સોફટવેર નિકાસ નિયંત્રણોની જાહેરાત ચીન દ્વારા દુર્લભ પૃથ્વી ખનિજો પર નિકાસ મર્યાદા લાદવાના ર્નિણયના જવાબમાં કરવામાં આવી છે, જે ૧ નવેમ્બરથી અમલમાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું છે કે દુર્લભ પૃથ્વી ઉત્પાદનો પર મોટા પાયે નિકાસ નિયંત્રણો લાદવાનો ચીનનો ર્નિણય અપવાદ વિના તમામ દેશોને અસર કરે છે. ટ્રમ્પે કહ્યું, હમણાં જ જાણવા મળ્યું છે કે ચીને વેપાર પર ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે અને વિશ્વને એક ખૂબ જ પ્રતિકૂળ પત્ર મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ૧ નવેમ્બર, ૨૦૨૫ થી લગભગ દરેક ઉત્પાદન પર મોટા પાયે નિકાસ નિયંત્રણો લાદવા જઈ રહ્યા છે, જેમાં કેટલાક એવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે જે તેઓ બનાવતા નથી.


