તીવ્ર ગરમીથી વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે સકકરબાગ ઝૂ પ્રશાસન દ્વારા વિવિધ વ્યવસ્થા કરાઈ

તીવ્ર ગરમીથી વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે સકકરબાગ ઝૂ પ્રશાસન દ્વારા વિવિધ વ્યવસ્થા કરાઈ

જૂનાગઢ તા. ૧૮
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ ખાતે ઉનાળાની ઋતુ દરમિયાન વધતા તાપમાન અને તીવ્ર ગરમીથી વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવા ઝુ પ્રશાસન દ્વારા વિવિધ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેમ કે સિંહ, વાઘ, દીપડા, વરૂ અને ઝરખ માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર ચાલુ રાખવામાં આવ્યા છે. ઉપરાંત બપોરના સમયે પૂરતો કુદરતી છાંયો મળી રહે તે માટે વૃક્ષોના છાંયામાં પ્રાણીઓને આરામ મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વન્યપ્રાણીઓને હંમેશા સ્વચ્છ પીવાનું પાણી મળે તે માટે પાણીના કુંડની દૈનિક સાફ-સફાઈ કરવામાં આવે છે અને પાણીમાં ઓ.આર.એસ. જેવા પૂરક તત્વો ઉમેરવામાં આવે છે. તેમજ પાણીમાં બરફ અને ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યાં પૂરતો કુદરતી છાંયો ઉપલબ્ધ નથી ત્યાં ગ્રીન નેટ લગાવી ગરમીથી રક્ષણ આપવામાં આવે છે.
વન્યપ્રાણીઓના ખોરાકમાં ડીહાઇડ્રેશન ટાળવા માટે વિવિધ સપ્લિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. રીંછ અને મર્મોસેટ જેવા પ્રાણીઓને ઉનાળાની ગરમીથી રાહત મળે તે માટે તેમને ફળોથી બનાવેલી આઈસ કેન્ડી પણ આપવામાં આવે છે. સાથે-સાથે ઝુના સ્ટાફ દ્વારા વન્યપ્રાણીઓનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

પક્ષીઓ માટે વિવિધ પ્રકારના ફુવારા તથા ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ખોરાકમાં વધુ પાણી ધરાવતા તરબૂચ અને ટેટી જેવા ફળોનો સમાવેશ વધારવામાં આવ્યો છે. પીવાના પાણીમાં સપ્લિમેન્ટ્સ અને બરફની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઉપરાંત પક્ષીઓને ગરમીથી બચાવવા આર્ટિફિશિયલ નેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે દિવસભર પૂરતો છાંયો મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પાણીના કુંડ અને ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તૃણાહારી પ્રાણીઓ માટે લીલો ચારો, પાણીના ફુવારા અને ગ્રીન નેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પાણીના પોઈન્ટ નજીક કંતાન રાખવામાં આવે છે જેથી મધમાખી તથા અન્ય જીવજંતુઓને પણ સરળતાથી પાણી મળી શકે.આ ઉપરાંત તમામ પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં તાજાે, સ્વચ્છ અને ગુણવત્તાસભર ખોરાક તથા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તમામ વન્યપ્રાણીઓનું સી.સી.ટી.વી. દ્વારા સતત હેલ્થ મોનીટરીંગ કરવામાં આવે છે.