તહેવારોને મોંઘવારીનું ગ્રહણ : જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં મંદીનો માહોલ
અછતની ભીતીને લઈને ખાંડની અગાઉથી જ ખરીદી કરતા લોકો : કિસમીસ, બદામ, એલચીનાં ભાવો ભડકે બળ્યા
જૂનાગઢ તા. રપ
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રાવણ માસનાં તહેવારો દરમ્યાન મોંઘવારીનું ગ્રહણ લાગતાં ખાંડ, સુકો મેવો, ફ્રુટના ભાવો ભડકે બળતા તેની સીધી અસર રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી સહીતનાં તહેવારો પર પડી રહી છે. ખાસ કરીને રોજબરોજનાં ઉપયોગમાં લેવાતી ખાંડનાં ભાવો આજે ઉંચી સપાટીએ પહોંચી ગયા છે અને એક તકે તનો ખાંડની અછત સર્જાવાની ભીતી પણ સેવવામાં આવી રહી છે. જેને ધ્યાને લઈ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવેલ પ્રોવીઝન સ્ટોર, મોલ તેમજ જનરલ સ્ટોરમાંથી લોકો તહેવારોનાં ટાંકણે ખાંડ સહીતીન ચીજ વસ્તુઓની જરૂરીયાત મુજબ ખરીદી કરી રહયા છે. ખાસ તો ખાંડને સંગ્રહીત કરવા ખરીદીનો દોર શરૂ થયો હોવાનું જાણવા મળે છે. કાચા માલના ભાવ વધારાની સીધી અસર તહેવારોની મીઠાઈઓ અને ધામિર્ક પ્રસાદ પર પડી રહી છે. હાલ શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદિરોમાં મહાદેવને ધરાવાતા ચૂરમાના લાડુ, જેમાં મુખ્યત્વે કિસમિસ અને સુકામેવાનો ઉપયોગ થાય છે, તે મોંઘા થઈ ગયા છે. આગામી સમયમાં આવી રહેલા રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં મોં મીઠું કરાવવા માટેની મીઠાઈઓ તેમજ ત્યારબાદ આવનારા ગણેશોત્સવ દરમ્યાન બાપ્પાને ધરાવાતા લાડુ પ્રસાદના બજેટ પર પણ આ મોંઘવારીની સીધી અસર જોવા મળશે. આ ઉપરાંત દૂધ અને મીઠાઈના વેપારીઓના જણાવ્યા અનુસાર, ખાંડના ભાવમાં ૪૦%નો વધારો થયો છે. આ સિવાય દૂધ, સુકોમેવો અને મીઠાઈ બનાવવા માટે વપરાતા તમામ કાચા માલના ભાવ વધી ગયા છે. આ પહેલાં મીઠાઈ અને ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કોમશિર્યલ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીંકાઈ ચૂક્યો છે. આ તમામ પરિબળોને કારણે સરેરાશ રૂા. ૪૫૦થી રૂા. ૧૨૦૦ પ્રતિ કિલોના ભાવે મળતા પેંડા અને કાજુ કતરી સહિતની મીઠાઈઓમાં ૧૦% સુધીનો વધારો અમલી બની શકે છે. કેટલાક વેપારીઓએ તો અત્યારથી જ પ્રતિ કિલોએ રૂા. ૪૦થી ૫૦નો ભાવ વધારો ઝીંકી દીધો છે. આમ આગામી તહેવારોની ઉજવણીમાં આ વર્ષે મોંઘવારીનું ગ્રહણ લાગી ગયું છે. તહેવારોની શરૂઆત થતાં જ મોંઘવારીની ચકકીમાં જનતા પીસાઈ રહી છે. અને નેતાઓ મોઢે તાળા મારીને બેસી ગયા છે ત્યારે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનાં સતત વધી રહેલા ભાવોને અંકુશમાં લેવાની તાતી જરૂરીયાત છે. સરકાર દ્વારા ભાવ બાંધણા માટે કાર્યવાહી કરે તેવી અપેક્ષા લોકો રાખી રહયા છે.


