નરસિંહ મહેતા સરોવર ખાતે પીવાનું પાણી, ટોયલેટ, પાર્કિંગની સુવિધાનો અભાવ : લોકોને હાલાકી

નરસિંહ મહેતા સરોવર ખાતે પીવાનું પાણી, ટોયલેટ, પાર્કિંગની સુવિધાનો અભાવ : લોકોને હાલાકી

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવર ખાતે પીવાનું પાણી, ટોયલેટ, પાર્કિંગની સુવિધાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. અને કરોડોનો ખર્ચ આયોજનના અભાવે એળે જઈ રહયો હોવાનું પણ લોકો બોલી રહયા છે. 
આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ સરોવરનું ખુબ લાંબુ રીનોવેશન તેમજ વિકાસની પ્રક્રિયા ચાલી હતી. કરોડોના ખર્ચે તૈયાર થયેલ નરસિંહ મહેતા સરોવરનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ધુમ ધડાકાભેર યોજવામાં આવ્યો હતો. નવનિર્મીત નરસિંહ મહેતા સરોવરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  
નરસિંહ મહેતા સરોવરને ખુલ્લું મુકાયા બાદ સરોવરની મુલાકાતે લોકો પોતાના પરિવાર સાથે આવતા હતા  અને સરોવરને જે પ્રમાણે નવો લુક આપવામાં આવ્યો છે તેને લઈને ઉત્સાહીત બન્યા હતા. અને ખુશખુશાલ બન્યા હતા. દરમ્યાન નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મુકયાનાં થોડા સમય સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો. અને લોકો પણ સરોવરની મુલાકાતે આવી રહયા હતા. દરમ્યાન કોર્પોરેશન દ્વારા નરસિંહ મહેતા સરોવર માટે પ્રવેશ દર નકકી કરાયા અને રૂા.ર૦/- પ્રવેશ ટીકીટ રાખવામાં આવતા નરસિંહ સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે.  નરસિંહ સરોવરનાં વિકાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ આયોજનનો અભાવ વર્તાઈ રહયો છે.  વિશેષમાં નરસિંહ મહેતા સરોવર ખાતે આવતા  મુલાકાતીઓને માટે પીવાના પાણીની સવલત નથી તેમજ ટોયલેટ બોકસની સુવિધા હાલ નથી અને જે ટોયલેટ બોકસ છે તેને તાળા મારેલા હોવાના કારણે અહીં મુલાકાતે આવનારા સહેલાણીઓને હાલાકી પડતી હોય છે. વધુમાં નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવનારા સહેલાણીઓને પોતાના વાહનો કયાં પાર્ક કરવા તે સૌથી મુંઝવણ ભર્યો પ્રશ્ન રહેલો છે. જેથી પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સરોવરની બહાર રોડ ઉપર વાહનોના જમેલા થાય છે. અને જેને કારણે ટ્રાફીકની સમસ્યા પણ મોટાપાયે સર્જાઈ છે. જલારામ સોસાયટી, તળાવ દરવાજાથી પ્રવેશતા લોકો, વાહન ચાલકો તેમજ ઝાંઝરડા રોડ તરફથી આવતા લોકો વાહન ચાલકોને આવવા જવાનો આ માર્ગ રહેલો હોય જેના કારણે ટ્રાફીકની સમસ્યા પણ રહે છે. યોગ્ય વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાનાં અભાવને પગલે નરસિંહ સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓને મુશ્કેલી ભોગવવી પડે છે. આ બાબતે  કોર્પોરેશન તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.