પોતાના જ નિર્ણયોમાં વારંવાર ગુલાંટ મારીને જગ-ફજેતી કરાવતા ટ્રમ્પ
અમદાવાદ તા.૧
કોઈ સામાન્ય રાજ્યનો સામાન્ય મંત્રી પણ પોતાનું કોઈ નિવેદન કે નિર્ણય જારી કરતા પહેલા સત્તરવાર વિચાર કરવાની સાવચેતી રાખે છે કે જેથી તેમાં પીછેહઠ ન કરવી પડે પરંતુ આખા વિશ્વની મહાસત્તા બની બેઠેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બીજી ટર્મમાં લગભગ દર બીજા નિર્ણયમાં પલ્ટી મારે છે. ધરાર જગત જમાદારી કરવા નીકળેલા ટ્રમ્પે પોતાની આવી ચેષ્ટાઓ દ્વારા ‘જગ હંસાઈ’ કરાવવામાં કોઈ કમી રાખી નથી. બીજું કોઈ આવી હરકતો કરે તો હજી સમજાય પરંતુ અમેરિકાના પ્રમુખ પદે બેઠેલો શખ્સ સાવ આવું ઉછાંછળાપણું બતાવે અને એ પણ વારંવાર તો એમાં માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ આખા અમેરિકાની ફજેતી થાય છે. કોઈ રાષ્ટ્રો સાથે સંબંધોની વાત હોય કે પછી ટેરિફનો મુદ્દો હોય કે બીજી કોઈ બાબત હોય દરેક વખતે ટ્રમ્પ એવુ કંઈક કરતા રહે છે કે પછી એમને ગુલાંટ મારવી પડે છે. રશિયા, ચીન, ભારત, ઈરાન કે અન્ય રાષ્ટ્રો સાથેના દ્ધિપક્ષીય સંબંધોની વાત હોય કે આંતરરાષ્ટ્રીય રાજકારણની બાબત હોય; પ્રત્યેકમાં ટ્રમ્પ પોતાના વલણ ઉપર અડગ રહેશે કે કેમ એ કળી શકાતું નથી. અમેરિકા જેવી મહાસત્તાના સૌથી શકિતશાળી નેતા અંગે જાે આવી દ્વિધાભરી સ્થિતિ રહેતી હોય તો એ નિશંકપણે અમેરિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. બીજા બધા નિર્ણયો તો ઠીક પણ ખુદ અમેરિકાના આંતરિક નિર્ણયોમાં પણ તેમણે પાછી પાની કરવી પડે છે. જેમકે તાજેતરના H-1B વિઝા મામલે પ્રથમ તેમણે દર વર્ષે એક લાખ ડોલર ફીની ઘોષણા કરી ત્યારબાદ થોડા કલાકમાં જ ઘોષણા કરાવવી પડી કે આ ફી માત્ર એક જ વાર ભરવાની થશે..!! આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં લેવામાં આવતા ર્નિણયોમાં એક વિચિત્ર અસ્થિરતા જાેવા મળી રહી છે. આ સૂચવે છે કે તેઓ ઉતાવળમાં નીતિગત ર્નિણયો લઈ રહ્યા છે, અને કેટલીયે વાર થોડા સમય પછી તેને ઉલટાવી દેવા પડે છે. ગયા હાલમાં જ તેમણે H-1B વિઝાની કિંમતમાં પચાસ ગણો વધારો કરીને $100,000 (આશરે ૮૮ લાખ રૂપિયા) કરવાની જાહેરાત કરી. એ વાત સમજી શકાય છે કે, જાે આ અમલમાં મૂકવામાં આવે તો ભારતીયો, ખાસ કરીને ત્યાં રહેતા લોકો, જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે તે અંગે વ્યાપક ચિંતાઓ ઉભી થઈ હતી. જાે કે, તેની અસરનો વ્યાપ ચર્ચાનો વિષય બન્યો, તેમ છતાં એવો મત પણ ઉભરી આવ્યો કે જાે અમલમાં મૂકવામાં આવે તો તે ખુદ અમેરિકાના હિતોને પણ પ્રતિકૂળ અસર કરી શકે છે. ત્યારબાદ થયેલા હોબાળા વચ્ચે, વિવાદને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અગાઉના ર્નિણયને ઉલટાવીને, એમ કહીને કે ફી ફક્ત નવા અરજદારોને લાગુ પડશે અને એ પણ એક વખત માટેની જ ચુકવણી હશે. ચોક્કસપણે, H-1B વિઝા ઉપર ત્યાં રહેતા ભારતીયો માટે આ રાહતની વાત હશે કે તેઓ તાજેતરના ર્નિણયથી પ્રભાવિત થશે નહીં. જાે કે, તાજેતરના સમયમાં, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં ટ્રમ્પે વારંવાર પોતાનો ર્નિણય બદલ્યો છે. આ પરિસ્થિતિ એવા સમયે આવી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો અંતિમ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી, અને દરરોજ સંકેતો મળી રહ્યા છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે. ભારત ઉપર દબાણ લાવવા માટે, અમેરિકાએ આયાતી માલ ઉપર ટેરિફ લાદ્યો છે અને રશિયા પાસેથી તેલની ખરીદીમાં બિનજરૂરી દખલ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પ્રશ્ન એ છે કે આની શું અસર થઈ રહી છે ? હવે, ઝડપથી બદલાતી ભૌગોલિક-રાજકીય કૂટનીતિના યુગમાં, વૈશ્વિક સમીકરણો પણ બદલાઈ રહ્યાં છે.


