પોરબંદર : એક મહિનામાં પાંચ ચક્ષુદાન : દસ પ્રજ્ઞાચક્ષુઓને મળ્યું નવું જીવન

પોરબંદર : એક મહિનામાં પાંચ ચક્ષુદાન : દસ પ્રજ્ઞાચક્ષુઓને મળ્યું નવું જીવન

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.પ
પોરબંદર જિલ્લામાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. માત્ર એક મહિનામાં પાંચ ચક્ષુદાન થવાથી દસ પ્રજ્ઞાચક્ષુઓને ફરીથી ઉજાસ મળવાનો માર્ગ તૈયાર થયો છે. ‘સર્જન’ પરિવાર દ્વારા વર્ષના ૩૬૫ દિવસ દેહદાન, ચક્ષુદાન અને સ્કીનદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. ‘સર્જન’ પરિવારના ડો. નીતિન પોપટે માહિતી આપતા જણાવ્યું હતું કે, નાના બાળકથી લઈને વડીલ વ્યક્તિ સુધી, કોઈપણ ઉંમરે મૃત્યુ બાદ ચક્ષુદાન અને સ્કીનદાન કરી શકાય છે. ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર, મોતીયો, ચશ્મા અથવા આંખની અન્ય સમસ્યાઓ હોવા છતાં પણ દાન શક્ય છે. ગળાની નીચેના ભાગમાં કેન્સર હોય તો પણ આ દાન આપી શકાય છે. મૃત્યુ બાદ ૬ કલાકની અંદર ચક્ષુદાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, જોકે કેટલીક પરિસ્થિતિઓમાં મોડું દાન પણ ઉપયોગી સાબિત થાય છે. ચક્ષુદાન પછી આંખોને ૪ ડિગ્રી તાપમાને રાખવાથી તે ૨૪ કલાક સુધી ઉપયોગી રહે છે, અને કોર્નીસોલ મીડીયામાં રાખવાથી કીકી ૧૪ દિવસ સુધી સુરક્ષિત રહે છે. આ દાન પ્રક્રિયા સંપૂર્ણપણે વિનામૂલ્યે અને ૨૪ કલાક ઉપલબ્ધ છે, ઘરેથી કે હોસ્પિટલેથી પણ કરવામાં આવે છે. દાન બાદ મૃતદેહના ચહેરા પર કોઈ વિકૃતિ આવતી નથી અને સામાન્ય રીતે બ્લીડીંગ પણ થતું નથી. ‘સર્જન’ પરિવારનું આ કાર્ય સરકાર માન્ય સી.એસ. સામરીયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુબેન્ક - પોરબંદર યુનિટ, તેમજ રાજકોટની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત રોટરી ગ્રેટર સ્કીન બેન્ક અને ધરમપુર-પોરબંદર સ્થિત જી.એમ.ઇ. આર.એસ. મેડિકલ કોલેજના સહયોગથી કરવામાં આવે છે. જિલ્લામાં નેત્રદાન, સ્કીન ડોનેશન અને દેહદાન માટે ઇચ્છુક લોકો ડો. નીતિન પોપટ(મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧/૯૩૨૮૦ ૬૬૮૬૮) અને આનંદભાઈ રાજાણી(મો. ૯૯૭૯૨ ૮૯૦૦૯)નો ૨૪ કલાક સંપર્ક કરી શકે છે.