બેંક હડતાલ છેલ્લી ઘડીએ રદ : મોડીરાત્રે સમજૂતી થઈ ગઈ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૮:
સરકારી બેંકોના કર્મચારી સંગઠનોએ આજથી શરૂ થનારી ૩ દિવસની હડતાળ ટાળી દીધી છે. આ ર્નિણય ૨૭ સપ્ટેમ્બરની રાત્રે ૯.૩૦ વાગ્યે બેંક કર્મચારી સંગઠનો અને ઇન્ડિયન બેંકિગ એસોસિએશન વચ્ચે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે આ બેઠકમાં દર મહિને ૨ વધુ શનિવારે રજા જાહેર કરવા અંગે કેટલીક સહમતિ બની છે.આ મુદ્દે વિચાર કરવા માટે એક સમિતિ બનાવવાનું આશ્વાસન આપ્યું છે. આ પહેલાં અઠવાડિયામાં ૫ દિવસ કામની માગને લઈને દેશની તમામ સરકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ડિયન બેંકિંગ એસોસિએશન અને યુનાઇટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયન વચ્ચે ૨૭ સપ્ટેમ્બરની રાત્રે લાંબા સમય સુધી ચર્ચા ચાલી અને અંતે ૨૮ સપ્ટેમ્બરથી પ્રસ્તાવિત દેશવ્યાપી હડતાળને મોકૂફ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. IBAએ કહ્યું છે કે તે દર મહિને ૨ વધારાના શનિવારે પણ રજા જાહેર કરવાની માગ પર વિચાર કરવા માટે ટૂંક સમયમાં ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવશે. બેઠકમાં થયેલી વાતચીત પર સહમતિ બને તો બેંક કર્મચારીઓને દર મહિને બે વધારાની રજા તો મળશે જ, પરંતુ લેવલ ૪થી ઉપરના કર્મચારીઓને PLIની રકમ પણ વધુ મળશે. સરકારે નવી PLI વ્યવસ્થા હજુ લાગુ ન કરવાનો ર્નિણય લીધો છે. કર્મચારીઓએ તેનો પણ વિરોધ કર્યો હતો. બેઠકમાં એ વાત પર સહમતિ બની કે કર્મચારીઓની માગ પર વિચાર કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે. આ પહેલાં રવિવારે પણ બેંકો ખુલવા પર ઘણા લોકોએ કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
હાલ બેંકોમાં દર મહિને ૪ રવિવારની સાથે ૨ શનિવારે પણ રજા મળે છે, પરંતુ કર્મચારીઓની માગ છે કે બાકીના બંને શનિવારે પણ રજા આપવામાં આવે અને અઠવાડિયામાં ૫ દિવસ કામની વ્યવસ્થા લાગુ કરવામાં આવે. આ જ માગને લઈને હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ૨૮ સપ્ટેમ્બરે હડતાળ શરૂ થાય તે પહેલાં જ કર્મચારી સંગઠનો અને બેંકિગ સંગઠન વચ્ચેની વાતચીતમાં સહમતિ બની ગઈ છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કર્મચારીઓની રજા બે દિવસ વધુ વધારવાનો ર્નિણય લેવામાં આવી શકે છે.


