શેરબજારમાં બ્લેક મન્ડે : રોકાણકારોનાં રૂા.૬ લાખ કરોડ સ્વાહા

સોનુ - ચાંદી પણ કડડભૂસ : સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડું

શેરબજારમાં બ્લેક મન્ડે : રોકાણકારોનાં રૂા.૬ લાખ કરોડ સ્વાહા

મુંબઈ, તા.૨૮
મુંબઇ શેરબજારમાં મંદીનો ભરડો વધુ તીવ્ર બની રહ્યો હોય તેમ નવા સપ્તાહના પ્રારંભે આક્રમક વેચવાલીનો મારો નીકળતા સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૧૦૦૦ પોઇન્ટથી વધુ ગગડ્યો હતો. સેન્સેક્સ ૭૩૦૦૦ તથા નિફટી ૨૩૦૦૦ની નીચે સરક્યો હતો. ઇન્વેસ્ટરોના ૬ લાખ કરોડ ડુબી ગયા હતા.
શેરબજારની શરૂઆત સાવચેતીના ટોને થયા બાદ એકાએક વેચવાલીનો મારો શરૂ થઇ ગયો હતો અને મોટાભાગના શેરો ધડામ કરતાં નીચે પટકાતા હતા. ગભરાટનો માહોલ હતો. મુખ્યત્વે વૈશ્વિક ઘટનાક્રમોએ જ ગભરાટ સર્જ્યો હતો. વિશ્વબજારમાં ક્રૂડતેલમાં ફરી તેજી થતા, અમેરિકાએ મધ્ય પૂર્વમાં ઇરાનની ઓફર ફગાવીને ફરી હુમલાનો સંકેત આપતા, અમેરિકી બોન્ડ પીલ્ડમાં વૃધ્ધિ, વોલાટીલીટી ઇન્ડેક્સમાં ૧૫ ટકાનો વધારો, વિદેશી નાણાં સંસ્થાઓની નવેસરથી આક્રમ વેચવાલી જેવા કારણોએ ભાવ ભજવ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અનિશ્ચિતતામાં રહેલું માર્કેટ વખતોવખત ઝાટકા આવી જ રહ્યું છે. ટુંકાગાળામાં હજુ ચિત્ર સ્પષ્ટ થાય તેમ નથી. શેરબજારમાં મંદી વચ્ચે ડો. રેડ્ડી, ઝાયડસ, ફેડરલ બેંક, વોલ્ટાસ, પેટ્રોનેટ જેવા કેટલાક શેરોમાં સુધારો હતો. યસ બેંક, નેલકો, મનાપુરમ, એચડીએફસી બેંક, રીલાયન્સ, સ્ટેટ બેંક, બીએસઇ, ભારતી એરટેલ, વોડાફોન, સુઝલોન, વેલસ્પન, જેકે ટાયર્સ જેવા શેરો તૂટ્યા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ૯૭૪ પોઇન્ટના કડાકાથી ૭૩૦૨૦ હતો તે ઉંચામાં ૭૩૭૪૦ તથા નીચામાં ૭૨૯૮૧ હતો. નિફટી ૨૬૭ પોઇન્ટ ગગડીને ૨૨૮૭૨ હતો તે ઉંચામાં ૨૩૦૮૦ તથા નીચામાં ૨૨૮૫૫ થયો હતો. લગભગ તમામ સેક્ટરના ઇન્ડેક્સ રેડઝોનમાં જ રહ્યા હતા.
આજે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. 
પશ્ચિમ એશિયામાં લાંબા સમય સુધી ચાલી રહેલા સંકટને કારણે આજે કાચા તેલના ભાવમાં વધારો થયો. તેની અસર સોના અને ચાંદીના ભાવ પર પડી. MCX પર શરૂઆતના વેપારમાં સોનાના ભાવ રૂા.૩,૨૦૦ થી વધુ ઘટ્યા હતા, જ્યારે ચાંદી રૂા.૬,૬૦૦ થી વધુ ઘટ્યા હતા.
MCX પર ૫ ઓક્ટોબરની ડિલિવરી માટે સોનાનો ભાવ પાછલા સત્રમાં રૂા.૧,૫૦,૮૮૧ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો અને આજે રૂા.૧,૫૦,૧૦૦ પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં, તે રૂા.૩,૨૧૪ ઘટીને રૂા.૧,૪૭,૬૬૭ પર બંધ થયો હતો. સવારે ૯:૪૦ વાગ્યે, તે રૂા.૨,૭૪૧ અથવા ૧.૮૨% ઘટીને રૂા.૧,૪૮,૧૪૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
તેવી જ રીતે, ૪ ડિસેમ્બરના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ પર પાછલા સત્રમાં ૨,૩૪,૬૯૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આજે તે ૨,૩૨,૩૦૦ રૂપિયા પર ખુલ્યો. શરૂઆતના વેપારમાં, તે ૬,૬૬૧ રૂપિયા ઘટીને ૨,૨૮,૦૩૫ રૂપિયા પર પહોંચી ગયો. સવારે ૯:૪૦ વાગ્યા સુધીમાં, તે ૫,૭૨૦ રૂપિયા અથવા ૨.૪૪ ટકા ઘટીને ૨,૨૮,૯૭૬ રૂપિયા પર પહોંચી ગયો.