બૈજીંગમાં યોજાયેલી વિકટ્રી-ડે પરેડમાં જીનપીંગનો હુંકાર ‘અમે કોઈથી બીતા નથી, આગળ વધતા રહીએ છીએ’
અમેરીકાના દુશ્મન દેશોના વડાઓ પરેડના મુખ્ય મહેમાન : ચીને વિશ્વને પોતાની લશ્કરી તાકાત બતાવી : પરેડમાં મિસાઈલ શક્તિનું પ્રદર્શન
(એજન્સી) બૈજિંગ તા.૦૩
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના ૮૦ વર્ષ નિમિત્તે બુધવારે ચીનની રાજધાની બૈજિંગમાં વિક્ટ્રી ડે પરેડ ઊજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેનમાં ભાષણ આપ્યું હતું.
જીનપીંગે કહ્યું કે ચીનને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. તેમણે દુનિયાના દેશોને કહ્યું કે તેઓ યુદ્ધના મૂળ કારણોને ખતમ કરે અને જૂની દુ:ખદ ઘટનાઓનું ફરી પુનરાવર્તન થવા ન દે. આ પરેડમાં ૧૦ હજારથી વધુ ચીની સૈનિકો હાજર હતા. તિયાનમેન સ્ક્વેરમાં તેમના અધ્યક્ષતામાં આ ત્રીજી મોટી લશ્કરી પરેડ છે. ચીન તેનો ઉપયોગ પશ્ચિમી દેશો સામે ગ્લોબલ સાઉથની એકતા દર્શાવવા અને તેની લશ્કરી શક્તિ દર્શાવવા માટે પણ કરી રહ્યું છે. આ પ્રસંગે ઘણા વિશ્વ નેતાઓ મંચ પર હાજર હતા, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.


