ભારત સાથે ટેરિફ વિવાદ મામલે અમેરીકાના ૧૯ સાંસદોએ ટ્રમ્પને પત્ર લખ્યો : તાત્કાલીક સંબંધ સુધારવા જણાવ્યું

ભારત સાથે ટેરિફ વિવાદ મામલે અમેરીકાના ૧૯ સાંસદોએ ટ્રમ્પને પત્ર લખ્યો : તાત્કાલીક સંબંધ સુધારવા જણાવ્યું

વોશંગ્ટન તા.૯:
ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પોતાના જ દેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ગઈ છે. અમેરિકાના  અનેક બ્યૂરોક્રેટ્સ ભારત સાથે સંબંધો ખરાબ કરવાને લઈને ટ્રમ્પ પર રોષ ઠાલવી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના ૧૯ સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથે તણાવપૂર્ણ સંબંધોને તાત્કાલિક સુધારવાની અપીલ કરી છે. આ સાંસદોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે ભારત પર વધારવામાં આવેલા ટેરિફને પરત લેવાની પણ માગ કરી છે. અમેરિકાના આ સાંસદોએ બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પને લખેલા પત્રમાં કહ્યું કે, હાલમાં જ ટેરિફમાં વધારાના કારણે ભારતીય ચીજવસ્તુઓ પર ૫૦ ટકા ટેક્સ થઈ ગયો. જેનાથી દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની સાથે સંબંધ તણાવપૂર્ણ થઈ ગયા છે. આવું થયા બાદ બંને દેશો માટે નકારાત્મક પરિણામ સામે આવ્યા છે. તમામ સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને ફરીથી સ્થાપિત કરવા અને સુધારવાનું આહ્વાન કર્યું છે. સાંસદોએ લખ્યું કે, ઓગસ્ટ ૨૦૨૫ના અંતમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારીને ૫૦ ટકા કરી દીધા હતા, જેમાં ૨૫ ટકા રેસિપ્રોકલ ટેરિફની સાથોસાથ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાના જવાબમાં ૨૫ ટકા વધારાનો ટેરિફ પણ સામેલ હતો.