ભારત સહિત પાંચ મિત્ર રાષ્ટ્રો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ કરવાની ઈરાને જાહેરાત કરી
ચીન, રશિયા, ઈરાક, ભારત અને પાકિસ્તાનના જહાજાે પસાર થઈ શકશે : હોર્મુઝ માર્ગ ફકત દુશ્મન દેશો માટે બંધ : અમેરીકા, ઈઝરાયલ અને તેમના સાથી દેશોના જહાજાે પસાર નહીં થઈ શકે
(એજન્સી) તહેરાન, તા.૨૬
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુધ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધાયેલા જહાજ-પરિવહનથી પેટ્રોલીયમ સહિતના મોરચે સર્જાયેલી કટોકટીમાંથી ભારત સહિત પાંચ દેશોને મોટી રાહત મળી છે.
ઇરાને પાંચ મિત્ર રાષ્ટ્રો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું કરવાની જાહેરાત કરી છે. આ દેશોમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ મંજુરી આપવાની સાથોસાથ એવી શરત પણ મુકી છે કે ઇરાનના નૌકાદળ અધિકારીઓ સાથે સંકલન સાધીને જ જહાજ પસાર કરાવવાના થશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેહરાને ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાન સહિતના ‘મિત્ર દેશો‘ના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.
ઈરાને અગાઉ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. આ માર્ગ ફક્ત ઈરાનના દુશ્મન દેશો માટે જ બંધ છે. અન્ય દેશોને ચોક્કસ શરતો હેઠળ પસાર થવાની મંજૂરી છે. ઈરાને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, અને કહ્યું છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી શરતો પર સંઘર્ષનો અંત લાવશે નહીં. ઈરાની અધિકારીઓના મતે, મધ્યસ્થી કરનારા દેશો દ્વારા આપવામાં આવેલ પ્રસ્તાવ "ભ્રામક" છે, જે વાસ્તવિકતાઓથી દૂર છે અને મુખ્યત્વે દબાણ લાવવાનો હેતુ ધરાવે છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે દુશ્મનાવટનો કોઈપણ
અંત તેની પોતાની શરતો પૂર્ણ થવા પર ર્નિભર રહેશે.


