ભારતમાં ડેન્ગ્યુ સામે રક્ષણ માટે ઐતિહાસિક પગલું, પ્રથમ વખત QDENGAને લીલી ઝંડી
4થી 60 વર્ષના લોકો માટે ઉપલબ્ધ રહેશે રસી, બે ડોઝમાં મળશે સુરક્ષા
નવી દિલ્હી તા.20
ભારતમાં ડેન્ગ્યુ સામે લડતને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ દેશમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન "QDENGA (TAK-003)"ના ઉપયોગને મંજૂરી આપી છે. આ મંજૂરી મળ્યા બાદ હવે લાખો લોકોને ડેન્ગ્યુ સામે અસરકારક રક્ષણ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વેક્સિન 4થી 60 વર્ષ સુધીના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. સૌથી ખાસ બાબત એ છે કે રસી લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની કોઈ તપાસ કરાવવાની જરૂર રહેશે નહીં. આ કારણે રસીકરણની પ્રક્રિયા વધુ સરળ બનશે.
QDENGAના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવામાં આવશે. રસી ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવશે અને તે ડેન્ગ્યુ વાયરસના ચારેય સીરોટાઇપ સામે રક્ષણ આપવા માટે વિકસાવવામાં આવી છે.
રસી જાપાનની ટાકેડા કંપનીએ વિકસાવી છે, પરંતુ તેનું ઉત્પાદન હવે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે. હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઇ કંપની તેના ઉત્પાદનની જવાબદારી સંભાળશે, જેના કારણે દેશમાં સરળ પુરવઠો અને પરવડે તેવી કિંમતની અપેક્ષા છે.
આ મંજૂરી પહેલાં રસીના વિવિધ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં 28 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. પરિણામો સંતોષકારક રહેતા DCGIએ તેને મંજૂરી આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પણ ડેન્ગ્યુ પ્રભાવિત વિસ્તારોમાં QDENGAના ઉપયોગને સમર્થન આપે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર રસી જ પૂરતી નથી. ડેન્ગ્યુથી બચવા માટે મચ્છર નિયંત્રણ, સ્વચ્છતા અને જનજાગૃતિ જેવા પગલાં પણ એટલાં જ જરૂરી રહેશે.


