મચ્છરજન્ય રોગો સામે ગુજરાતની અસરકારક કામગીરી, મેલેરિયામાં ૪૫% અને ડેન્ગ્યુમાં ૩૯%નો ઘટાડો

ગુજરાતનું ઘર-ઘર સર્વેલન્સ અભિયાન ૬ કરોડ ૫૧ લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું

મચ્છરજન્ય રોગો સામે ગુજરાતની અસરકારક કામગીરી, મેલેરિયામાં ૪૫% અને ડેન્ગ્યુમાં ૩૯%નો ઘટાડો

ગાંધીનગર, તા. ર૦
જનસ્વાસ્થ્યને વિકાસની પ્રાથમિકતાઓ સાથે જોડીને ગુજરાતમાં રોગોના નિયંત્રણ, સમયસર નિદાન અને અસરકારક સારવાર પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે મચ્છરજન્ય મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ, તપાસ, સારવાર તેમજ મચ્છર નિયંત્રણની વ્યાપક વ્યવસ્થા અમલમાં મૂકી છે.
વર્ષ ૨૦૨૬ના સપ્તાહ-૩૩ સુધીના આંકડા મુજબ, ગત વર્ષની સમાન અવધિની સરખામણીમાં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં ૪૫.૦%, ડેન્ગ્યુમાં ૩૯.૧% અને ચિકનગુનિયામાં ૪૮.૧%નો ઘટાડો નોંધાયો છે.
વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫ના સપ્તાહ-૩૩ સુધીમાં ૧ કરોડ ૯ લાખથી વધુ રક્ત નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મેલેરિયાના ૧,૪૦૭ કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૬માં આ જ સમયગાળા દરમિયાન ૧ કરોડ ૧૧ લાખથી વધુ રક્ત નમૂનાઓના પરિક્ષણ બાદ મેલેરિયાના કેસોની સંખ્યા ઘટીને ૭૭૪ થઈ છે. તો ડેન્ગ્યુના કેસો ૧,૨૯૩થી ઘટીને ૭૮૮ અને ચિકનગુનિયાના કેસો ૧૫૪થી ઘટીને ૮૦ થયા છે. આ સમયગાળા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
રોગોની સમયસર ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવા રાજ્યમાં નિદાન વ્યવસ્થાને પણ વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિદાન માટે મેડિકલ કોલેજ સાથે સંલગ્ન ૪૨ હોસ્પિટલોમાં નિદાન કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૬માં સપ્તાહ-૩૩ સુધીમાં આ કેન્દ્રો ખાતે ડેન્ગ્યુ માટે ૮૩ હજારથી વધુ અને ચિકનગુનિયા માટે ૧૨ હજારથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. એટલે કે, બંને રોગો માટે કુલ અંદાજે ૯૬ હજાર સેમ્પલની તપાસ થઈ છે.
મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ગુજરાત સરકારે ઘરોઘર સર્વેલન્સ હાથ ધર્યું છે. વર્ષ ૨૦૨૬માં ઘર-ઘર સર્વેલન્સ અભિયાનના પ્રથમ તબક્કામાં એટલે કે ૨૭ એપ્રિલથી ૬ મે સુધી તાવ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણના માધ્યમથી ૮૯% કવરેજ હાંસલ કરવામાં આવ્યું હતું.
અભિયાનના બીજા તબક્કામાં ૧થી ૧૦ જુલાઈ દરમિયાન ૧૯,૫૫૮ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હેઠળ ૬ કરોડ ૫૧ લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ૨ લાખ ૫૭ હજારથી વધુ રક્ત નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાના ૨૮ દર્દીઓ મળી આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી.
ગુજરાત સરકારના આ વિશેષ અભિયાનમાં રોગ નિયંત્રણની સાથે મચ્છરોના પ્રજનનને અટકાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘર-ઘર સર્વેલન્સ દરમિયાન રાજ્યમાં મચ્છરના ૨૯ લાખ ૬૩ હજારથી વધુ ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૩ લાખ ૨૧ હજારથી વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મેલેરિયાની દૃષ્ટિએ સંવેદનશીલ ૨૪ જિલ્લાઓના ૧૧૬ ગામોની લગભગ ૧ લાખથી વધુની વસ્તીને જંતુનાશક દવાના છંટકાવના પ્રથમ રાઉન્ડમાં આવરી લેવામાં આવી છે. જ્યારે બીજા રાઉન્ડનો છંટકાવ ૧ ઑગસ્ટ, ૨૦૨૬થી શરૂ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં તાવ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ વેગ આપવા માટે રાજ્યના જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ૪૯૭ વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે.
મચ્છરોના લાર્વાના નિયંત્રણ માટે જુલાઈ ૨૦૨૬ના અંત સુધીમાં રાજ્યમાં ૫,૦૨૪ કાયમી જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓ છોડવામાં આવી છે. મચ્છરોના પ્રજનનને શરૂઆતી તબક્કામાં જ નિયંત્રિત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જરૂરી દવાઓ, લાવિર્સાઇડ્સ અને આવશ્યક સાધનોનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વાહકજન્ય રોગોની સ્થિતિ પર દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.