રશિયા સાથે વેપાર કરનાર તમામ દેશો પર ૫૦૦% ટેરિફની ટ્રમ્પની ધમકી

રશિયા સાથે વેપાર કરનાર તમામ દેશો પર ૫૦૦% ટેરિફની ટ્રમ્પની ધમકી
The New Indian Express

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર સંબંધો ધરાવતા દેશોને વધુ એક વખત ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, રશિયા સાથે વેપાર કરતા તમામ દેશો પર યુએસ આકરા પ્રતિબંધો લાદશે. ટ્રમ્પે આ સાથે જ ઈરાનને પણ ટૂંકમાં બ્લેકલિસ્ટ કરવાના સંકેત આપ્યા હતા. ટ્રમ્પે વિશ્વના દેશોને રશિયા સાથે છેડો ફાડવા ચિમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર અને રિપબ્લિકન નીતિઘડવૈયાઓ મોસ્કો પર સકંજાે કસવા માટે કડક કાયદા લાવવાની તૈયારીમાં છે.ટ્રમ્પ તંત્રએ ટેરિફ વોર અંતર્ગત ભારત પર ૫૦ ટકા જેટલો તોતિંગ ટેરિફ લાગુ કર્યાે હતો. સેનેટ સભ્ય લિંડસે ગ્રાહમે રજૂ કરેલા બિલમાં રશિયન ઓઈલની ગૌણ ખરીદી તથા પુન: વેચાણ કરવા પર ૫૦૦ ટકા અધધ ટેરિફનો પ્રસ્તાવ કરાયો છે. આ પ્રસ્તાવને સેનેટની વિદેશ સંબંધોની સમિતિનું સર્વસંમતિથી સમર્થન મળ્યું છે. ગ્રાહમ અને સેનેટર રિચાર્ડ બ્લુમેંથલે સંયુક્ત રીતે ‘સેન્કશનિંગ રશિયા એક્ટ ૨૦૨૫’ પ્રસ્તાવ રજૂ કર્યાે હતો. આનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન સામે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના બર્બર યુદ્ધનું સમર્થન કરતા દેશો પર સેકન્ડરી ટેરિફ અને પ્રતિબંધ લાગુ કરવાનો છે.