રાષ્ટ્રપતિ મૂર્મુ ૧૦-૧૧ ઓકટોબરે સાસણની મુલાકાતે આવવાની સંભાવના
(ડેસ્ક) જુનાગઢ તા. ૦૨:
મહામાહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણના મહેમાન બને તેવી શકયતા જોવાઈ રહી છે. જોકે રાષ્ટ્રપતિના સાસણ પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ હજી જાહેર થયો નથી પરંતુ તંત્ર દ્વારા રાષ્ટ્રપતિની સંભવિત સાસણ મુલાકાતને લઈને વિવિધ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળેલ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમના કારણે આ વર્ષે વન્ય જીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભયારણ્ય નિર્ધારિત સમય કરતા પહેલા વહેલું ખુલવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ગીર અભયારણ્ય ૧૫ જૂનથી ૧૬ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત પ્રવાસ કાર્યક્રમ ૧૦ અને ૧૧ ઓક્ટોબર દરમ્યાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે જેથી આ વર્ષે ગીર અભયારણ્ય નિર્ધારિત સમય કરતા પહેલા ૧૦ દિવસ વહેલું એટલે કે ૧૬ ઓક્ટોબરના બદલે સંભવત: ૭ ઓક્ટોબરથી જ ખુલ્લુ મૂકી દેવામાં આવશે.


