વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે :- ચિંતા અને તણાવને કહો અલવિદા
૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરની મદદથી દેશના ૧૪ લાખથી વધુ નાગરિકો, તણાવમુક્ત જીવન જીવવા માટે કાઉન્સેલર અને સાયકિયાટ્રિસ્ટની લઇ રહ્યા છે નિ:શૂલ્ક મદદ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી રાષ્ટ્રીય ટેલિ-માનસિક આરોગ્ય સેવા (ટેલિ-માનસ) દેશભરમાં માનસિક આરોગ્ય સંભાળની નિર્ણાયક ભૂમિકા બજવી રહી છે. આ વિશ્વસનીય, ગોપનીય અને નિઃશુલ્ક સેવા ઓક્ટોબર, ૨૦૨૨માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 14416 ની મદદથી દેશના ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો તણાવમુક્ત જીવન જીવવા માટે કાઉન્સેલર અને સાયકિયાટ્રિસ્ટની નિ:શૂલ્ક મદદ લઇ રહ્યા છે.
ટેલિ-માનસ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશની પ્રજા, ખાસ કરીને ગ્રામ્ય અને દૂરસ્થ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ૨૪x૭ દિવસ મફત તથા ગુપ્ત માનસિક આરોગ્ય પરામર્શ અને સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. કોવિડ-૧૯ મહામારી પછીના સમયમાં માનસિક તણાવ, ચિંતા, ઉદાસીનતા અને એકલતા જેવી સમસ્યાઓના નિવારણ અને સંભાળ માટે આ સેવા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
આ કાર્યક્રમ એક સુસંગત બે-સ્તરીય પદ્ધતિ પર આધારિત છે
- પ્રથમ સ્તર : આ સ્તરે, ટોલ-ફ્રી નંબર ૧૪,૪૧૬ અથવા ૧૮૦૦-૮૯૧-૪૪૧૬ પર આવતી કૉલ્સને તાલીમ પ્રાપ્ત માનસિક આરોગ્ય પરામર્શકો (કાઉન્સેલર્સ) દ્વારા સંભાળવામાં આવે છે. તેઓ કૉલર્સને સક્રિય રીતે સાંભળે છે, તેમની સમસ્યાઓ સમજે છે અને તાત્કાલિક માનસિક સમર્થન અને પ્રાથમિક પરામર્શનની સેવાઓ પૂરી પાડે છે.
- દ્વિતીય સ્તર : જે કેસમાં વિશેષજ્ઞ કાઉન્સેલર અને સાયકિયાટ્રિસ્ટના હસ્તક્ષેપની આવશ્યકતા હોય છે, તેમને આ સ્તરે મનોચિકિત્સક (સાયકિયાટ્રિસ્ટ) સાથે ઑડિયો-વિડિયો પરામર્શન માટે રૂટ કરવામાં આવે છે. આ સ્તરે ઇ-પ્રિસ્ક્રિપ્શન, તબીબી માર્ગદર્શન, અને જરૂરિયાત મુજબ જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ અથવા સ્થાનિક સેવા કેન્દ્રો સાથે સંકલન કરી રેફરલની સુવિધા પણ ઉપલબ્ધ કરવવામાં આવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં, ક્રાઇસિસ ઇન્ટરવેન્શન ટીમ સક્રિય થાય છે.
ગુજરાત રાજ્યમાં ટેલિ-માનસ
ગુજરાત રાજ્યમાં અમદાવાદ સ્થિત માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ટેલિ-માનસ સેલ દ્વારા સક્રિય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ કેન્દ્ર ખાતે ૧૬ તાલીમપ્રાપ્ત પરામર્શકો અને ૩ મનોચિકિત્સકોની ટીમ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ચોવીસ કલાક સેવા ઉપલબ્ધ છે. આ સેલ જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ સાથે સંકલિત રીતે કાર્યરત છે, જેના દ્વારા સતત ફોલો-અપ અને સુગમ રેફરલ સુવિધા સુનિશ્ચિત થાય છે.
"ટેલિ-માનસ ભારત સરકારની 'સર્વજન સુખાય: સર્વજન હિતાય' ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. તે માનસિક આરોગ્ય સેવાઓને રાષ્ટ્રવ્યાપી પહોંચ અને સમાનતા સાધવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ટેલિ-માનસ સેવાનો લાભ લઈ શકે તેવા લાભાર્થીઓ:
- પરીક્ષા અથવા રોજગાર સંબંધિત તણાવ અનુભવતા યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ.
- ચિંતા, ઉદાસીનતા અથવા આત્મહત્યાના વિચારોથી પીડિત વ્યક્તિઓ.
- મદ્યપાન, તમાકુ અથવા અન્ય નશીલા પદાર્થોના વ્યસનથી પીડિત લોકો.
- વૃદ્ધજનો, કામકાજી પીઢી અને મહિલાઓ જે વ્યક્તિગત અથવા વ્યાવસાયિક તણાવ અનુભવે છે.
- માનસિક રોગોથી પીડિત વ્યક્તિઓના પરિવારજનો અને સંભાળ રાખનારાઓ.
ટેલિ-માનસ કાર્યક્રમ ભારત સરકારના "સર્વે ભવન્તુ સુખિનઃ" અને "માનસિક આરોગ્ય વિશે ખુલ્લાપણું અને સહાય માંગવી એ સામાન્ય બાબત છે" એ સંદેશને મૂર્ત રૂપ આપે છે. આ સેવા દ્વારા માનસિક આરોગ્ય સંભાળ હવે ફોન કૉલ જેટલી જ નજીક છે તેમ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની યાદીમાં વધુમાં જણાવાયું છે.


