અંબાજી મંદિરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સુરક્ષાનાં પગલા લેવાશે

ભવનાથ અને ગીરનાર ક્ષેત્રનાં ધર્મસ્થાનો સાથે કોઈપણ પ્રકારની ધામિર્ક લાગણીને ઠેસ પહોંચે તેવું કૃત્ય ચલાવી લેવાશે નહી : જીલ્લા કલેકટર

અંબાજી મંદિરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સુરક્ષાનાં પગલા લેવાશે

જૂનાગઢ તા. ૧૮
અંબાજી મંદિર ખાતે આવેલા ભંડાર રૂમમાં દારૂ અને ચીકનની પાર્ટી થયાનો વિડીયો તેમજ દાન પેટીની આવક સાથે ચેડા કરવામાં આવતા હોવાની બાબત બહાર આવતાં તેના ઘેરા પ્રત્યાઘાતો જૂનાગઢ સહીત રાજયભરમાં પડયા હતાં. આ બંને ઘટનાને પગલે ધાર્મિક લાગણી દુભાઈ હતી સરકાર દ્વારા તાત્કાલીક અસરથી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બનાવની તપાસ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલને સોંપવામાં આવી હતી અને બે દિવસ સુધી તપાસનો ધમધમાટ રહયો હતો અને જરૂરી રીપોર્ટ કલેકટરને સુપ્રત કર્યા બાદ સમગ્ર ઘટનાક્રમ તેમજ તેની તપાસ અને વહીવટી તંત્ર દ્વારા લેવાઈ રહેલા પગલા અંગે માહિતી આપવા માટે જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ ગઈકાલે એક પત્રકાર પરીષદ યોજી હતી અને જેમાં વિસ્તૃત વિગતો આપી હતી. અને આ સાથે જ જણાવ્યું હતું કે ભવનાથ અને ગીરનાર ક્ષેત્રનાં તમામ ધર્મસ્થાનો સાથે કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અથવા મંદિરની ગરીમાને નુકશાન પહોંચે તે પ્રકારનું કોઈપણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહી. અંબાજી મંદિર ખાતેની તાજેતરની બનેલી ઘટના અંગેની વિગતો આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે  આ સમગ્ર ઘટના તા.૨૨- ૧૦- ૨૦૨૫ની હોવાનું સામે આવ્યું છે, જેમાં મુખ્યત્વે ૬ લોકો સામેલ છે. જે પૈકી ૨ સગીર છે. આ ઘટનાના મુખ્ય વ્યક્તિ મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક કિશોરસિંહ ચૌહાણ છે. એ લગભગ આ ઘટના પૂર્વે એક અઠવાડિયા પહેલા ત્યાં જ હતા. અન્ય જે લોકો છે તે તેમના મિત્ર તરીકેની ઓળખાણ આપી છે. જેમાં છગનભાઈ ડાભી જે નોનવેજ અને દારૂ શહેર વિસ્તારમાંથી મંદિર સુધી લઈ જવામાં તેમનો મુખ્ય રોલ હતો. ઘટનામાં અન્ય લોકો છે એ સીડી મારફતે મંદિરે પહોંચ્યા હતા. જે મંદિરની ગોખ છે એના આગળના ભાગમાં એ લોકોએ ત્યાં રાત્રિ દરમ્યાન દારૂનું સેવન કર્યું હતું અને ત્યારબાદ અભિષેક ચૌહાણ તેમને મંદિરના ભંડાર ખાતે જમવા માટે લઈ ગયેલો હતો ત્યાં તેમણે મટનનું સેવન કરેલું હતું. આ સમગ્ર ઘટનામાં વહીવટદારશ્રી તરફથી આ લોકોને કોઈપણ પ્રકારની મંદિરમાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની, પૂજા પાઠ કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ ન હતી. તેમ છતાં આ તમામ લોકોએ અનઅધિકૃત રીતે ત્યાં પ્રવેશ કર્યો હતો અને અનઅધિકૃત રીતે ત્યાં રાત્રી રોકાણ પણ કર્યું હતું. આમ, કરોડો લોકોનું આસ્થા કેન્દ્ર છે તેવા અંબાજી મંદિરમાં ગેરકાયદેસર કૃત્યો કરી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. જિલ્લા કલેકટરશ્રીએ અંબાજી મંદિરમાં જ બનેલ અને વિવિધ સમાચાર માધ્યમો દ્વારા પ્રસારિત બીજી ઘટના સંદર્ભે જણાવ્યું કે, મંદિરમાં પૂજારીઓ દ્વારા દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરતા હોવાના વિડિયો પુરાવા પરથી ફલિત થઈ રહ્યું છે. કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે અન્ય વાસણ રાખી દાનના નાણાં ભેટ પૂજા તરીકે સ્વીકારી અને તેને દાનપેટીમાં કે મંદિરમાં ડિપોઝિટ ન કરાવી નાણાંકીય અનિયમિતતા આચરેલ હતી. આ નાણાકીય અનિયમિતતાઓ આચરતા શખ્સો પૈકી માત્ર એક જ મંદિરનો અધીકૃત નિમાયેલો પૂજારી હતો બાકીના તમામ અનધિકૃત વ્યક્તિઓ હતા. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, મહિનામાં એકવાર વહીવટદારશ્રી તરફથી દાન પેટી કર્મચારીઓ અને મંદિરના પૂજારીઓની હાજરીમાં ખોલવામાં આવતી હોય છે અને જે પણ દાનની રકમ એકત્ર થઈ હોય તેને બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જ મંદિરના રખરખાવ માટે અને અલગ અલગ પૂજારીઓના પગાર પેટે ખર્ચ કરવામાં આવતો હોય છે. આ નાણાંકીય અનિયમિતતા ધ્યાને લઈ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ એમ ૫  વ્યક્તિઓ સામે પણ વહીવટદારશ્રીને એફઆઇઆર દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.  જિલ્લા કલેકટરશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, આ ઘટનાની ગંભીરતા લઈને મંદિરના ચાર્જમાં રહેલા વહીવટદારશ્રીને પણ નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે અને તપાસ દરમ્યાન વહીવટદારશ્રીની બેદરકારી સામે આવશે, તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. અંબાજી મંદિર ખાતે તા.૨૯-૧૧- ૨૦૨૪થી દિવસથી વહીવટદારનું શાસન શરૂ થયું છે, જેમાં મંદિરના વહીવટ માટે ૧૨ વ્યક્તિઓને અધિકૃત રીતે નિમણૂક કર્યા હતા. જે પૈકી ૯ પુજારી, ૧ પી.આર.ઓ.,૧ રસોઈયો અને ૧ સફાઈ કામદાર છે. આ બધા કર્મચારીઓ પણ જુદા જુદા નિવેદનમાં સ્વીકાર કરે છે, જે જે ઘટના ઘટી છે અથવા આવી પ્રવૃત્તિ ન થાય એના માટે વહીવટદારશ્રીને જે સહયોગ આપવો જોઈએ, તેમાં ઉણા ઉતરવાની સાથે નિષ્ફળ નીવડ્યા છે. એટલે તેમની પણ મંદિર ખાતે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ માટે પણ જરૂરી તપાસ અને કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, અંબાજી મંદિર ખાતે મહંતની જે નિમણૂકની પ્રક્રિયા ચાલે છે તે હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને આ બાબતે હાલની ઘટનાના સંદર્ભમાં નવેસરથી નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવી ઘટના ફરી વખત ન બને તે માટે નવેસરથી મંદિરમાં અનુશાસન વાળી વ્યવસ્થા ગોઠવાઈ તે માટે મંદિરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા, મંદિરમાં ફરજ બજાવતા કર્મચારીઓનું રજીસ્ટર રાખવા, પરવાનગી વગર રાતે રોકાણ ન કરવા, વહીવટદાર દ્વારા દર અઠવાડિયે મંદિરની નિયમિત મુલાકાત લેવા, રાઉન્ડ ધી ક્લોક સિક્યુરિટી ગોઠવવા માટે વહીવટદારશ્રી અને મામલતદારશ્રી જૂનાગઢ શહેરને સુચના આપવામાં આવેલ છે અને તેનો સત્વરે અમલ કરવા આદેશ કરેલ છે.