અમેરીકા - ઈરાન વચ્ચે કામચલાઉ શાંતિ કરાર ફાઈનલ
વધુ 60 દિવસનું સીઝફાયર થશે : હોર્મુઝ જળ માર્ગ ફરી ખુલી જવાની આશા
(એજન્સી) તહેરાન/ વૉશિગ્ટન, તા.29
છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા છે. હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ જંગે વિશ્વના ઓઈલ માર્કેટ અને સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા છે પરંતુ હવે એક આશાનું કિરણ પણ દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂ કરવા માટે એક પ્રાથમિક સમજૂતી સધાઈ હોવાના અહેવાલો છે.અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 60 દિવસ સુધી યુદ્ધવિરામને લંબાવવાનો છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે. આ કરારનું સૌથી મોટું પાસું એ છે કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવવા માટે કમિટમેન્ટ આપે તેવી શક્યતા છે. વિશ્વના ઓઈલ સપ્લાય માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હવે આ મંત્રણાના કેન્દ્રમાં છે. કરાર મુજબ, આ જળમાર્ગ પર શીપિંગ ‘મુક્ત’ બનાવવામાં આવશે. ઈરાનને 30 દિવસમાં માઈન્સ હટાવવાની શરત રાખવામાં આવી છે. બદલામાં, અમેરિકા તેના નૌકાદળ દ્વારા લાદવામાં આવેલા બ્લોકેડને તબક્કાવાર હળવું કરશે. જાેકે બુધવારે અને ગુરુવારે બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ જાેવા મળ્યો હતો. કુવૈતમાં અમેરિકન બેઝ પર ઈરાનનો મિસાઈલ હુમલો અને બદલામાં અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હાલના તબક્કે, આ એક માત્ર કામચલાઉ સમજૂતી છે, કોઈ અંતિમ શાંતિ કરાર નથી. જાે કે, સીઝફાયર વચ્ચે પણ અમેરીકા અને ઈરાનનાં સૈન્ય વચ્ચે હોર્મુઝની ખાડીમાં સતત સમયાંતરે ઘર્ષણ થતું રહયું છે અને ઘણીવાર સીઝફાયર તુટી જવાની ભીતિ વ્યકત થઈ હતી તેમ છતાં અમેરીકા અને ઈરાન બંનેએ બેક ડોર ચેનલ દ્વારા વાટાઘાટા ચાલુ રાખી હતી જે હવે ફળીભૂત થઈ રહી હોવાનું મનાય રહયું છે.


