ઉનાના કોબ ગામે યુવક ઉપર જીવલેણ હુમલાનાં બે આરોપી ઝડપાયા : બે હજુ ફરાર

ઉનાના કોબ ગામે યુવક ઉપર જીવલેણ હુમલાનાં બે આરોપી ઝડપાયા : બે હજુ ફરાર

(પ્રતિનિધિ દ્વારા)    ઉના, તા.1
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસ વિસ્તારમાં આવતા કોબ ગામે બનેલી ખુનની કોશિષની ગંભીર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદી બાનુબેન સલીમભાઈ શેખ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ દુકાન આગળ ઉભા હતા ત્યારે ગામના હાર્દિક બારૈયા, હરેશ કરશન અને અક્ષય બાંભણીયા મોટરસાઇકલ ઉપર આવી ગાળો આપી જતા રહ્યા હતા.
આ ઘટનાનો ઠપકો આપવા તેમના પતિ હાર્દિકના ઘરે ગયા હતા, જેના પગલે મન દુ:ખ રાખી યાગી ઉર્ફે યાજ્ઞિક નામના શખ્સે ફોન ઉપર ધમકીઓ આપી હતી. ત્યારબાદ રાત્રિના સમયે હાર્દિક, હરેશ અને અક્ષય હથિયાર સાથે ફરી આવ્યા અને દુકાન આગળ ઉભેલા બાનુબેન અને તેમના 17 વર્ષીય દીકરા રેહાન સાથે ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ, હાર્દિકે બાનુબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, જ્યારે અક્ષયે લોખંડના પાઈપથી રેહાનના કપાળના ભાગે ઘા કર્યો હતો. હરેશે રેહાનને પકડી રાખ્યો અને હાર્દિકે છરી વડે માથાના પાછળના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ રેહાન બેભાન થઈ ગયો હતો અને ભારે લોહી લુહાણ થયો હતો. આસપાસમાં રહેતા પરિવારજનો અને પાડોશીઓ તાત્કાલિક દોડી આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રેહાનને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
આ બનાવમાં કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પી.આઇ.જે.જે. પરમાર પી. એસ.આઇ.એમ.એ. રાઠોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચા ભાઈ પી.બાંભણિયા અને સ્ટાફ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ થી બાતમી મેળવી આરોપી ચાર પૈકી બે જેમાંથી હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણીયાને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે હરેશ કરશનભાઈ અને યાગી ઉર્ફે યાજ્ઞિક હજુ ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.