ઉના-સોમનાથ ફોરટ્રેક હાઇવે પર ગેસ ભરેલી ટ્રકમાં લીકેજ
નાથડ ગામ નજીક બનેલી ઘટનાથી વાહનચાલકોમાં ફફડાટ : ટૂંકા ગાળામાં બીજી ઘટના સામે આવતાં સલામતી વ્યવસ્થા સામે સવાલ
ગીરસોમનાથ તા.૯
ગીર સોમનાથ જિલ્લામાં ઉના-સોમનાથ ફોરટ્રેક હાઇવે પર ગેસ ભરેલી ટ્રકમાં લીકેજની ઘટના સામે આવી છે. નાથડ ગામ નજીક ટ્રકમાંથી ગેસ લીક થવા લાગતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, આઈ.આર.એમ. કંપનીની ટ્રક ઉનાના ઝુડવડલીથી ગેસ ભરી વેરાવળ તરફ જઈ રહી હતી. આ દરમિયાન નાથડ ગામ નજીક ટ્રકમાંથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. ગેસ લીકેજને પગલે સલામતીના ભાગરૂપે થોડા સમય માટે હાઇવે પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. રાહતની વાત એ રહી કે ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે ગેસ ભરેલી ટ્રકમાં ટૂંકા ગાળામાં લીકેજની બીજી ઘટના સામે આવી હોવાના દાવાને પગલે વાહનોની સલામતી અને જાળવણીને લઈને સવાલો ઊભા થયા છે. ગેસનું પરિવહન કરતા વાહનોમાં સિલિન્ડર, વાલ્વ તેમજ અન્ય સલામતી સાધનોની નિયમિત અને સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ લીકેજનું ચોક્કસ કારણ શું હતું અને સલામતીના નિયમોનું યોગ્ય પાલન થયું હતું કે કેમ તે અંગે તપાસ જરૂરી બની છે.


