ઓડદર અને રંગબાઈ વચ્ચેના દરિયા કિનારેથી રૂા.5.58 લાખનું ચરસ બિનવારસ હાલતમાં મળી આવ્યું

એસ.ઓ.જી.ના પેટ્રોલિંગ દરમ્યાન 2.232 કિલો મારીઝુઆના હસીસ બે પેકેટ મળેલા, હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

ઓડદર અને રંગબાઈ વચ્ચેના દરિયા કિનારેથી રૂા.5.58 લાખનું ચરસ બિનવારસ હાલતમાં મળી આવ્યું

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.11
પોરબંદરના ઓડદર ગામના સ્મશાનથી રંગબાઈ મંદિર વચ્ચે આવેલા દાદીમાના દેશી ભાણુ હોટલ પાછળના દરિયા કિનારેથી એસ.ઓ.જી. પોરબંદરને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં મારીઝુઆના હસીસ(ચરસ)નો જથ્થો મળી આવતા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દેશના દુશ્મનો દ્વારા ભારતને આંતરિક રીતે ખોખલો કરવાના ઈરાદાથી ડ્રગ્સ ઘુસાડવાના અવનવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને સતત દેખરેખને કારણે આવા પ્રયાસો મોટા ભાગે નિષ્ફળ સાબિત થતા હોય છે. વિદેશથી લાવવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ જવાના ભયને કારણે તસ્કરો ઘણી વખત દરિયામાં જ જથ્થો ફેંકી દેતા હોય છે. બાદમાં દરિયાઈ પ્રવાહના કારણે આવા પેકેટો કિનારાઓ સુધી પહોંચી જતા હોય છે. ભૂતકાળમાં પણ પોરબંદર જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી એસ.ઓ.જી.ને દરિયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અમલરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, ભીમાભાઈ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડિયાને ઓડદર ગામના સ્મશાનથી રંગબાઈ મંદિર વચ્ચેના વિસ્તારમાં દરિયાની લહેરો પૂરી થાય છે તે સ્થળેથી બે શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતા પેકેટોમાંથી કુલ 2 કિલો 232 ગ્રામ વજનનો મારીઝુઆના હસીસ (ચરસ)નો જથ્થો મળી આવ્યો હતો. તેની અંદાજિત કિંમત રૂા.5,58,000 હોવાનું સામે આવ્યું છે. આ અંગે બિનવારસુ માલ મળી આવતાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા તથા પગદંડીયા માછીમાર ભાઈઓને અપીલ કરવામાં આવી છે કે દરિયા કિનારે આવા કોઈ પેકેટ અથવા અન્ય કોઈ શંકાસ્પદ અને બિનવારસુ વસ્તુ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નં. 02862-240922 અથવા કોસ્ટલ સિક્યુરિટી ટોલ ફ્રી નં. 1093 પર જાણ કરવી.