કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા જૂનાગઢમાં દિવાન ચોક ખાતે આવેલ ટ્રાફીક પોઈન્ટનું સર્કલ ઉંચું લેવા માંગણી
જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢ શહેરનાં હેરીટેજ વિસ્તાર દીવાન ચોકમાં આવેલ ટ્રાફીકનું સર્કલ ઉંચે લેવાની માંગણી ઉઠવા પામી છે.
આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં નવાબી શાસન સમયનું હેરીટેજ ટ્રાફીક સર્કલ આવેલ છે. અગાઉ ટ્રાફીક સર્કલને નુકશાન થતાં મનપા તંત્રને જાણ કરવામાં આવી હતી. મનપાએ નુકશાન-અકસ્માત કરનાર વાહન ચાલક પાસેથી દંડ પણ વસુલે છે.
દરમ્યાન હેરીટેજ વિસ્તારમાં દરબાર હોલ મ્યુઝીયમનાં મુખ્ય ગેટથી જતાં માર્ગ ઉપર ટ્રાફીક સર્કલ આવેલ છે. જયાં તાજેતરમાં જ એક સાયકલ સવાર બાળકને બચાવવા જતાં એક ફોર વ્હીલ ટ્રાફીક સર્કલના ઓટા ઉપર ચડી ગઈ હતી અને આસપાસનાં લોકો એકઠા થયા હતા. અને ફોરવ્હીલને બહાર કાઢવામાં આવી હતી. અહીં ખાસ વાત એ જણાવવાની કે ઉપરોકત સ્થળે જે ટ્રાફીક સર્કલ આવેલ છે તેનો ઓટો નીચો છે જેને કારણે દિવસ-રાત ગમે તે વખતે દુર આવતા વાહનોને માટે મુશ્કેલી રૂપ બને છે. એટલું જ નહીં ઓટો નીચો હોવાના કારણે વાહન ચાલકની નજરમાં ન આવવાના કારણે સંભવીત અકસ્માતનો સતત ખતરો રહેલો છે.
દીવાન ચોક, લીમડા ચોક વિસ્તાર હેરીેટેજ વિસ્તાર તો છેજ સાથે જ અહીંથી રોજ હજારો વાહનો પસાર થતા હોય જેથી કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તાત્કાલીક અસરથી મનપા તંત્ર દ્વારા ટ્રાફીક સર્કલનો ઓટલો ઉંચો લેવડાવવા માંગણી ઉઠવા પામી છે.


