કંડલા પોર્ટ પર નિકાસ માટે તૈયાર ૧પ૦૦૦ કન્ટેનરો ફસાયા : ભારતીય બંદરો પર ભારે જામ

કંડલા પોર્ટ પર નિકાસ માટે તૈયાર ૧પ૦૦૦ કન્ટેનરો ફસાયા : ભારતીય બંદરો પર ભારે જામ

(એજન્સી)      નવી દિલ્હી તા.૭:
ઇઝરાયેલ -અમેરિકા દ્વારા ઈરાન ઉપર કરાવેલા આક્રમણ અને ઇરાન દ્વારા ઈઝરાયેલ સહિત અખાતી દેશો ઉપર કરાયેલા વળતા પહારના પગલે ભારતની આયાત નિકાસને ભારે અસર પડી છે. દેશના અગ્રણી પોર્ટ તરીકે ગણાતા કંડલા પોર્ટ ઉપર જ નિકાસ માટેના ૧૫૦૦૦ કંટેનરો હાલમાં અટવાઈ જવા પામ્યા છે.શિપિગ કંપનીઓ દ્વારા અખાતી યુધ્ધની સ્થિતિના કારણે વહાણોની અવરજવર પર નિયમન મુકી દેવામાં આવતા હાલમાં પરિસ્થિતિ વિકટ બની છે. બીજી તરફ શિપિગ કંપનીઓ દ્વારા ઈન્સ્યોરન્સની રકમ પણ વધારી દેવામાં આવી છે. આસ્થિતિમાં માત્ર ગુજરાતમાંથી જ નહિ પણ ઉત્તર ભારતમાંથી કંડલા પોર્ટ દ્વારા થતી નિકાસ ને ભારે અસર પડી રહી હોવાનું કોર્પોરેટ સૂત્રોએ જણાવ્યું છે.
કંડલા પોર્ટ ઉપર જ અંદાજે ૧૫૦૦૦ કંટેનરો હાલમાં નિકાસ થયા વિના પડી રહ્યા છે. કેઆઇસીટીપીએલ ઉપર એક્સપોર્ટ ગેટ ખાતે કામચલાઉ રીતે કેટેનર વેસલ્સ ઉપર નિયમન આવી ગયા છે. નિકાસના કંટેનરો, ચોખાના શિપમેન્ટ, એલપીજી આવાત અને બલ્ક કાર્ગો જેવા કે સલ્ફર અને જીપ્સમની હેરફેર લગભગ અટકી ગઈ છે. ભારતના બે મુખ્ય બંદર દીનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ) અને મહારાષ્ટ્રના જવાહર લાલ નહેર પોર્ટ ઉપર અખાતી યુધ્ધની ભારે અસર પડી છે. આ બંને મહત્વના પોર્ટ ખાતે આયાત નિકાસ લગભગ ઠપ્પ થઈ ગઈ હોવાનું મનાય છે.