ખાંડ બાદ હવે ડુંગળી લોકોને રડાવી રહી છે : ભાવો આસમાને પહોંચ્યા
નવી દિલ્હી તા.૨૪:
ખાંડ પછી, ડુંગળી હવે લોકોને રડાવી રહી છે. દેશના ઘણા ભાગોમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. શનિવારે, સરેરાશ ભાવ રૂા.૪૨ પ્રતિ કિલો પર પહોંચી ગયો, જે ગયા વર્ષ કરતા ૪૫ ટકા અને ગત મહિનાથી ૧૯ ટકા વધુ છે. ગ્રાહક બાબતોના વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ રૂા.૬૫ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલા રૂા.૩૫ હતો. તેવી જ રીતે, ચેન્નાઈમાં, ડુંગળીના ભાવ રૂા.૫૮ પ્રતિ કિલો વેચાઈ રહી છે, જે ગત વર્ષે રૂા.૩૩ હતા. કેરળ અને આસામના કેટલાક ભાગોમાં પણ ડુંગળીના ભાવ ઊંચા છે.
અહેવાલો અનુસાર, દેશના સૌથી મોટા ડુંગળી બજાર નાસિકમાં ગયા મહિનામાં ભાવ ૭૬ ટકા વધ્યા છે. ડુંગળીના ભાવમાં વધારા માટે અનેક કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. અનિશ્ચિત ચોમાસાને કારણે વાવણીમાં વિલંબ, ઓછી આવક અને સરકારી ખરીદીમાં ઘટાડો થવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. સંગ્રહખોરોએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.


