ગેરકાયદેસર બાંધકામ અંગે જૂનાગઢ મનપાએ ભીંડી જવેલર્સને નોટીસ ફટકારી : પુરાવા રજુ કરવા આદેશ
જૂનાગઢ તા. ર૧
જૂનાગઢનાં જાણીતા ભીંડી જવેલર્સને રહેણાંક માટેની બાંધકામની મંજુરીનો ગેરઉપયોગ કરી અને રહેણાંકને બદલે કોમર્શીયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહયો હોવાની બાબત સામે આવતા મનપા તંત્ર દ્વારા ભીંડી જવેલર્સને નોટીસ પાઠવી અને તેમની પાસે પુરાવા રજુ કરવા જણાવતાં ભારે ચકચાર જાગી ઉઠી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા વિસ્તાર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા મંજુર કરવામાં આવેલી વિકાસ યોજના હેઠળ આવે છે. નિતી નિયમો મુજબ કોઈપણ નવા બાંધકામમાં નિર્ધારીત જગ્યા છોડીને તથા પુરતી પાર્કીંગ સુવિધા રાખવી ફરજીયાત હોય છે. પરંતુ આ સ્થળે પાર્કીંગ માટે કોઈ જગ્યા છોડવામાં આવી ન હોવાના કારણે રહેણાંકનાં નામે પરવાનગી મેળવી અને કોમર્શીયલ વપરાશ કરવાથી આસપાસમાં ટ્રાફીકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. અને સાથે જ મનપા અને જુડાનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહયું હોવાનું બહાર આવતા બાંધકામ મામલે જૂનાગઢનાં જાણીતા ભીંડી જવલેર્સને મનપા તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા ભારે ચકચાર જાગી ઉઠી છે. આ નોટીસ મળ્યાનાં એક માસ થયો છતાં પણ જવાબ આપવામાં ન આવ્યો હોય તેમ છતાં તંત્ર દ્વારા આગળની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ બાબત વધુમાં મળતી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડાનાં મુખ્ય રોડ ખાતે રેવન્યુ સર્વે નંબર ૧ર૯/રનાં પ્લોટ નંબર ૧/બી + ૧૦ ઉપર ઓનલાઈન વિકાસ પરવાનગી મેળવવામાં આવી હતી. અને આ મંજુરી માત્ર રહેણાંકનાં હેતુ માટેજ બાંધકામ કરવાની મંજુરી આપવામાં આવી હતી. બીજી તરફ મંજુર થયેલા પ્લાનથી વિપરીત રીતે અન્ય હેતુ એટલે કે કોમર્શીયલ માટે બાંધકામ થયુ હોવાનું જણાતાં મનપાએ આ બાંધકામને સીલ મારી દીધુ હતું. અને બાંધકામને અટકાવ્યું હતું. આ બાબતે ભીંડી જવેલર્સનાં માલીક ભાવીન જીતેન્દ્રકુમાર ભીંડી દ્વારા મનપામાં સોગંદનામુ રજુ કરી અને બાંધકામનો ઉપયોગ માત્ર રહેણાંક માટે જ કરવાની લેખીત ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ આ ખાત્રીનું પણ ઉલ્લંધન કરીને કોમર્શીયલ માટે ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું જણાતા મનપા તંત્ર દ્વારા ભીંડી જવેલર્સને નોટીસ ફટકારવામાં આવી છે. અને તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે. દરમ્યાન આ નોટીસ અંગે મનપાનાં ટીપીઓ પરીન ગાંધીનાં જણાવ્યા અનુસાર ભીંડી જવેલર્સને બાંધકામ મામલે જે નોટીસ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તમારૂ બાંધકામ કોમર્શીયલ છે કે રેસીડેન્સ તે બંનેનાં પુરાવા લઈ અને મનપાની ઓફીસે આવો. પરંતુ તેમનાં તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુતર મળ્યો નથી. તેવા સંજાેગોમાં મનપાનું મૌન અનેક સવાલો ઉભા કરે છે. દરમ્યાન હાલ તો આ મામલે ભારે ચર્ચા ઉઠવા પામી છે.


