જૂનાગઢમાં માંગનાથ વિસ્તારમાં આવેલ દુલ્હન સેલ નામની દુકાનમાં ખરીદી માટે આવેલી યુવતીની છેડતી કરનાર યુવક ઝડપાયો
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ શહેરનાં હાર્દસમા માંગનાથ રોડ પર આવેલી એક દુકાનમાં ખરીદી કરવા આવેલી એક યુવતીની છેડતી કરવાનો બનાવ બનવા પામેલ હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી હાથ ધરી અને આરોપીની અટકાયત કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માંગનાથ રોડ પર આવેલી દુલ્હન સેલ નામની એક દુકાનમાં ગઈકાલે ગ્રાહકો ખરીદી કરી રહયા હતાં અને એક પરીવારની યુવતી પણ ખરીદી કરી રહી હતી. એ દરમ્યાન એક યુવાને તેણીની છેડતી કરી હતી. અને જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટના સમયે ભેગા થઈ ગયેલા લોકોને એકત્રીત થઈ અને યુવાનને મેથીપાક પણ ચખાડયો હતો. અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી હિતેશ ધાધલીયાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ ચૌધરી અને સ્ટાફ દ્વારા તત્કાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ વસીમ ઈબ્રાહીમ સીડા ગામેતી (ઉ.વ. ૩૧) (રહે. જૂનાગઢ પાણીના ટાંકા પાસે, કુંભારવાડા, સુખનાથ ચોક) સામે છેડતી અંતર્ગત ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



