ગીરગઢડાના પોપટડી નેસમાં ત્રણ વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડી
દાદાએ દીપડાના મુખમાંથી પૌત્રને બચાવી દીપડાને ભગાડી દીધો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. 27
ઊના તાલુકા અને ગીરગઢડા તાલુકા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ દીપડા, સિંહ અને મગરના માનવ ઉપર હુમલાના બનાવો વધ્યા છે. તેમાં વધુ એક બનાવ ગીરગઢડા તાલુકાના ઝાંખીયા ગીર જંગલ વિસ્તારમાં આવેલ પોપટડી નેસમાં રાજેન્દ્રભાઈ બાલુભાઈ ભાલીયાનો પરિવાર મકાન બાંધી રહે છે. ગત સોમવારે રાત્રે રાજુભાઈના પિતા બાલુભાઈ અને ત્રણ વર્ષનો પૌત્ર માનવ રાજેન્દ્રભાઈ ભાલીયા મકાન સામે રમતા હતા ત્યારે એક દીપડો શિકારની લાલચમાં ફળિયામાં રમતા બાળક માનવ ઉપર પંજાે મારી ન્હોર મારી દીધેલ હતા. જયાં હાજર દાદા બાલુભાઈ જાેઈ જતા તુરંત રાડારાડિ કરતા ઘરના સભ્યો બહાર નીકળી ગયા હતા અને દીપડા ઉપર લાકડીનો ઘા કરતા દીપડાએ માનવને છોડી જંગલ તરફ નાસી ગયો હતો. માનવને સારવાર માટે ઊના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે સારવાર આપી ભયમુક્ત જાહેર કર્યો હતો. એક દાદાએ બહાદુરી અને હિંમત બતાવી દીપડાના મુખમાંથી પૌત્રને બચાવી લીધો હતો. આ બનાવની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂકી દીધા છે.
અવાર-નવાર ઉના-ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓના મનુષ્ય ઉપર હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે વન વિભાગ દીપડા અને સિંહના માનવ ઉપર હુમલા રોકવા નક્કર કામગીરી કરે તેવી લોકમાંગણી ઉઠી છે.


