ગીરનાર પરીક્રમામાં ગત વર્ષે ‘અતિવૃષ્ટી’ હતી ચાલુ વર્ષે ‘જળ સંકટ’  !!!

ગીરનારની લીલી પરીક્રમાના રૂટનું સાધુ-સંતો, પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓનું નિરીક્ષણ : લાખો ભાવિકો માટે જરૂરી સુવિધા સુનિશ્ચિત કરવા પરામર્શ થયો : ઓછા વરસાદને કારણે બોરવેલ મારફતે પાણીની સુવિધાઓ વધારવા પર ભાર મુકાયો : અશકત, વયોવૃધ્ધો, બાળકોને પરીક્રમાનો કઠીન માર્ગ ધ્યાન રાખીને પરીક્રમા ટાળવા સંતોનો અનુરોધ

ગીરનાર પરીક્રમામાં ગત વર્ષે ‘અતિવૃષ્ટી’ હતી ચાલુ વર્ષે ‘જળ સંકટ’  !!!

(જગડુશા ડી. નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનારની લીલી પરીક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે પરીક્રમા અંગેની પૂર્વ તૈયારી ચાલી રહી છે. ગઈકાલે ૩૬ કિમીની પરીક્રમાનાં રૂટનું વહીવટી તંત્ર, સંતો, પ્રજાનાં પ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યુ હતું. અને લાઈટ, પાણી, રસ્તા, આરોગ્ય સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. ખાસ કરીને આગામી ગીરનાર પરીક્રમામાં આ વર્ષે અપુરતા વરસાદનાં કારણે પીવાના પાણીનું સંકટ સામે આવ્યુ છે અને પાણીના સ્ત્રોતો ઉભા કરવા માટેની કવાયતો હાથ ધરવામાં આવી છે. પરંતુ જમીનનાં તળમાં જ પાણીનો પુરવઠો ખુટી ગયો હોય તો નવા સ્ત્રોતોમાં પણ પાણી આવતુ નથી. એક તરફ ગીરનાર પરીક્રમા એ લાખો ભાવિકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે ત્યારે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભાવિકો શ્રધ્ધા અને સેવાનું ભાથુ બાંધવા પરીક્રમામા આવી પહોંચશે. ગીરનારજી મહારાજ સૌ સારૂ કરશે તેવો વિશ્વાસ ભાવિકોને રહેલો છે. તો બીજી તરફ સાધુ, સંતોએ ગીરનાર પરીક્રમાના કઠીન માર્ગને ધ્યાને લઈ અશકતો, વયોવૃધ્ધો અને બાળકોને શકય હોય ત્યાં સુધી પરીક્રમા ટાળવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પરીક્રમામા પધારતા ભાવિકોને પ્રતિબંધીત પ્લાસ્ટીકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા તેમજ પ્રકૃતિ અને પર્યાવરણનાં જતનમાં સહયોગ આપવા અપીલ કરી હતી. ગઈકાલે લીલી પરીક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રૂટ નિરીક્ષણ કરાયુ હતું. જેમાં ગીરનાર તીર્થક્ષેત્રનાં પૂ. ઈન્દ્રભારતી બાપુ, પૂ. મહેશગીરી બાપુ, પુ. મહેન્દ્રાનંદજીગીરી બાપુ, પૂ. મહાદેવગીરી બાપુ, પૂ. કિશનદાસ બાપુ સહીતનાં સાધુ-સંતો  ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે. મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષનાં નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા,  જીલ્લા કલેકટર યોગેશ ચૌધરી, મનપાનાં કમિશ્નર આર.આઈ. વાળા, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જાેષી, નિવાસી અધિક કલેકટર બી.એચ. બારડ, પ્રાંત અધિકારી વૃશાલી કાંબલે સહીતનાં મહાનુભાવો જાેડાયા હતાં. ઓછા વરસાદના કારણે પાણીની ઉપલબ્ધતા જાળવવા બોરવેલ મારફતે પાણીની સુવિધા વધારવા ભાર મુકવામાં આવ્યો હતો. સાધુ-સંતો અને પદાધિકારીઓએ રૂટ નિરીક્ષણ દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યકત કર્યો હતો. જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ તા. ર૦ નવેમ્બરની મધ્યરાત્રીથી શરૂ થનારી ગીરનાર લીલી પરીક્રમામાં તમામ ભાવિકોને ભાવપૂર્વક આમંત્રીત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની અછતનાં કારણે કુદરતી રીતે નદી-નાળાઓમાં પાણી ઉપલબ્ધ નથી. જાે કે વહીવટી તંત્ર દ્વારા શ્રધ્ધાળુઓને પીવાના પાણીની જરૂરી સૃુવિધા મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે તેમ જણાવ્યું હતું.