જૂનાગઢમાં કડીયાવાડની જર્જરીત બિલ્ડીંગો ઉતારવા કલેકટરને આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ શહેરનાં હાર્દસમા કડીયાવાડ વિસ્તારમાં ખાડાવાળા રસ્તાનાં કારણે લોકો હાડમારી વેઠી રહયા છે. આ ઉપરાંત પડુ પડુ થતી જર્જરીત ઈમારતને કારણે પણ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગમે ત્યારે ઈમારતોનાં પોપડા પડે તેવી સંભાવના રહેલી છે. બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર સાવ નિષ્ક્રીય હોય અને અહીં રહેતા લોકો ભગવાન ભરોસે જીવી રહયા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કલેકટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલીક અસરથી કડીયાવાડની જર્જરીત બિલ્ડીંગો ઉતારવા ચિમકી આપી હતી તેમજ હવે કોઈપણ અકસ્માતનો બનાવ સર્જાઈ તો તેની તમામ જવાબદારી કોર્પોરેટરો અને મનપાનાં કમિશ્નરની રહેશે તેમ જણાવ્યું હતું.
જૂનાગઢના કડિયાવડમાં તાજેતરમાં દિવસ પહેલા જ એક જર્જરિત ઇમારતનું મોટું પોપડું અચાનક ચોથા માળેથી રસ્તા પર પડતા પસાર થઈ રહેલી એક નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલાના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ દૃશ્યો જાેઈ સ્થાનિકોમાં તંત્ર વિરૂધ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
આ ઘટના બાદ કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, જાે ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ, બિસ્માર રસ્તા કે ગટરની વ્યવસ્થાને કારણે કોઈ પણ જાનહાનિ થશે તો તેની સીધી અને નૈતિક જવાબદારી વોર્ડ નંબર ૯ અને ૧૦ના કોર્પોરેટરો તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓની રહેશે.
વધુમાં વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે મત માંગવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે ફરે છે, પરંતુ જ્યારે નિર્દોષ પ્રજાના જીવ જાેખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી પણ લેતા નથી. કડિયાવાડ વિસ્તારની હાલત ખૂબજ ખરાબ છે. વર્ષ ૨૦૨૨માં આ જ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંઘ ઉડી નથી. હજુ પણ અનેક ભયજનક ઇમારતો અડીખમ ઉભી છે, જે ગમે ત્યારે નીચે આવી શકે તેમ છે.
૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ બનેલી ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે રસ્તાઓ એટલા બિસ્માર અને સાંકડા થઈ ગયા છે કે ઇજાગ્રસ્ત મહિલા માટે બોલાવવામાં આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સમયસર ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. અંતે સ્થાનિકોએ જીવના જાેખમે મહિલાને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી.
વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ, વાસ્તવમાં આ ઇમારતો ઉતારવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેમણે જૂનાગઢના વર્તમાન રાજકારણ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઘટના બને ત્યારે વીડિયો ઉતરાવવા અને ફોટા પડાવવા માટે અનેક લોકો પહોંચી જાય છે.
લોકોની વાસ્તવિક પીડા અને પાયાની સુવિધાઓ માટે કોઈ લડત આપતું નથી. તેમણે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના કામની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, જ્યારે કડિયાવાડના વેપારીઓ હક માટે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે માત્ર ધારાસભ્ય સંજયભાઈ જ તેમની પડખે ઉભા રહ્યા હતા.
વોર્ડ-૧૦ના કોર્પોરેટરો મનનભાઈ અભાણી, ચંદ્રિકાબેન રાખસીયા, પલ્લવીબેન ઠાકર અને પરાગભાઈ રાઠોડની જવાબદારી બને છે કે તેઓ પોતાના વિસ્તારની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે. કડિયાવાડમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ બચ્યા છે અને ગટરની વ્યવસ્થા પણ ભગવાન ભરોસે છે.
ચોમાસા પૂર્વે જાે આ જર્જરિત ઇમારતો અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો વધુ એક મોટી જાનહાનિની શક્યતા સેવાઈ રહી છે. વેપારીઓએ માંગ કરી છે કે કલેક્ટર દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશ્નરને કડક આદેશ આપે અને યુદ્ધના ધોરણે ભયજનક બાંધકામો દૂર કરવામાં આવે તેવી રજુઆત કરી છે.
|
કડિયાવાડમાં ૨૩ ઇમારતને નોટિસ અપાઈ
જૂનાગઢ તા. ૯ |



