જૂનાગઢમાં બાગાયતી પાકોની નવી યોજનાઓ માટે 30 સપ્ટેમ્બર સુધી અરજીની તક

ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવા અને ફિલ્ડ કવરથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા નવી યોજનાઓ અમલમાં; i-Khedut Portal 2.0 પર આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

જૂનાગઢમાં બાગાયતી પાકોની નવી યોજનાઓ માટે 30 સપ્ટેમ્બર સુધી અરજીની તક

જૂનાગઢ,તા.૨૫
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન બાગાયત ખાતાની નવી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી બાગાયતી યોજનાઓ માટે ખેડૂતો આગામી તા. 30/09/2026 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
બાગાયત ખાતાની નવી યોજનાઓમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તેમજ ફળ પાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓનો લાભ જૂનાગઢ જિલ્લાના વધુમાં વધુ પાત્ર ખેડૂતો સુધી પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ અરજી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
વર્ષ 2026-27 માટે i-Khedut Portal 2.0 પર અગાઉથી નોંધણી કરાવેલા તેમજ નવી નોંધણી કરાવનારા ખેડૂતોએ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે. આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખેડૂત ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી કરતી વખતે યોજનામાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજી કન્ફર્મ કરી તેની પ્રિન્ટ ખેડૂતે પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. યોજનાની મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે અરજીની પ્રિન્ટ પર સહી કરીને જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
બાગાયતી યોજનાઓ, પાત્રતા કે અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, લઘુકૃષિભવન, જૂનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ફોન નંબર 0285-2635019 પર પણ માહિતી મેળવી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયું છે.