જૂનાગઢ એટલે સમસ્યાનો ‘ગઢ’
રખડતા ઢોર, કુતરાનો ત્રાસ, ટ્રાફીક સમસ્યા, રસ્તા ઉપર ગમે ત્યાં પાર્કીંગ, અને ખાડા-નગરજનોની સહનશીલતાને હદ છે !
જૂનાગઢ તા. ર૩
સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર માટે ઓળખાતું અને જયાં રોજનાં હજારો પ્રવાસીઓ જે શહેરની મુલાકાતે આવે છે તે જૂનાગઢ શહેર એટલે સમસ્યાનો ગઢ બની ગયુ છે. આ શહેરમાં માળખાગત અને પાયાની સુવિધાનો અભાવ હોવા છતાં નગરજનો મુંગે મોઢે અનેક સમસ્યાનો સામનો કરી રહયા છે. લોકોની સમસ્યા અને ફરીયાદો ઉકેલવામાં જાણે શાસકોને રસ ન હોય તેમ સમસ્યાઓ અને પ્રશ્નો ઘટવાને બદલે સતત વધી રહયા છે. જૂનાગઢ શહેર ભલે ફરવાલાયક સ્થળ તરીકે ઓળખાતુ હોય પરંતુ આ શહેરમાં મુળભુત અને પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. બે દાયકા કરતાં વધારે સમય મહાનગરપાલિકા બન્યાને થયો છે. પરંતુ પ્રશ્નો હજુ એના એ જ રહયા છે.
જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું ત્યારથી લઈને આજ દિવસ સુધી જાેષીપરા અન્ડરબ્રીજ અને ઝાંઝરડા અન્ડરબ્રીજનો પ્રશ્ન મુખ્ય રહેલો છે. ચોમાસાનાં દિવસોમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર સ્થગીત કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે. પરંતુ તેનો અસરકારક ઉકેલ આજ દિવસ સુધી આવ્યો નથી. જૂનાગઢ શહેરમાં સાત સહેલી સમા રેલ્વે ફાટકોની ઘણા વર્ષો થયા સમસ્યા રહેલી છે. જાે કે હવે ગાંધીગ્રામમાં ગ્રોફેડ નજીક રેલ્વે સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાતા નજીકનાં સમયમાં ફાટકની સમસ્યામાંથી લોકોને મુકિત મળે તેમ મનાઈ છે. જૂનાગઢ શહેરમાં સૌથી મોટો પ્રશ્ન ઘણા લાંબા સમય થયા સળગતો રહયો છે જે છે શહેરનાં મોટાભાગનાં માર્ગોની હાલત અત્યંત ખરાબ છે. ફુટ-ફુટનાં ખાડાને કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. મનપાનાં શાસકો દ્વારા રસ્તા બનાવવા માટે કેમ આયોજન કરતાં નથી તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં તમામ માર્ગો, મુખ્ય ચોક, સર્કલો ઉપર રખડતા ઢોરનાં જમેલા જાેવા મળે છે. અવાર નવાર જાહેર માર્ગો ઉપર ‘આખલા યુધ્ધ’નાં દ્રશ્યો સર્જાઈ છે. જેને કારણે અકસ્માતનાં બનાવો પણ બનતા રહયા છે. લોકોને રસ્તા ઉપરનાં ઢોર જાેવા મળે છે પરંતુ મનપા તંત્રને રખડતા ઢોર જાેવા મળતા નથી ! અને કોઈ ઢોર પુરવાની કામગીરી થતી નથી તેવો તાલ સર્જાયો છે. જૂનાગઢ શહેરમાં સમસ્યાઓ તો સંખ્યાબંધ છે તેમાંથી મુખ્ય સમસ્યાઓ જ દર્શાવવામાં આવી છે.
આ ઉપરાંત ટ્રાફીકની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે. બેઠકો મળે છે જરૂરી સુચના સંબંધીત વિભાગ દ્વારા આપવામાં આવે છે. અને ત્યારબાદ બધુ ભુલાઈ જાય છે. જૂનાગઢનાં મુખ્યરસ્તા ઉપર આડેધડ થતાં વાહન પાર્કીંગ, રસ્તે જતાં વાહનોમાંથી અચાનક વાહન ચાલક દ્વારા પોતાનું વાહન ઉભુ રાખી દેવાનાં બનાવો, લાયસન્સ વિના અને ટ્રાફીકનાં નિયમોનું સરેઆમ ઉલ્લંધન કરી બેરોકટોક દોડતા વાહનો સામે કોઈ પગલા લેવામાં આવતા ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. આ ઉપરાંત ટ્રાફીક વ્યવસ્થાનાં નિયમન માટે તૈનાત કર્મચારીઓ જે તે પોઈન્ટ પર ટોળટપ્પા કરતાં હોય અથવા તો મોબાઈલમાં વધુ પડતા બીજી જાેવા મળતા હોય છે. અને આ બાબતે ઉચ્ચ અધિકારી સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં લોકો વિવિધ કરવેરા ભરે છે પરંતુ તેની સામે પુરતી સુવિધા મનપાનાં શાસકો આપી શકયા નથી. પીવાનું પાણી, રસ્તા, લાઈટ, ભુગર્ભ ગટર, સફાઈ સહીતનાં સંખ્યાબંધ પ્રશ્નોને કારણે જૂનાગઢ શહેર સમસ્યાઓના ગઢ સમુ બની ગયું છે. લોકોને પુરતી સુવિધા આપવા માંણી ઉઠવા પામી છે. તેમજ વિવિધ સમસ્યાઓનાં ઉકેલ માટે મનપા તંત્ર કામગીરી દાખવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મનપાનાં શાસકોને નગરજનોનો એક જ સવાલ રસ્તા કયારે બનાવશો ?
જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાઓને કારણે લોકોની હાલત ખુબ જ ખરાબ કરી નાખી છે. મનપાનાં શાસકો મનફાવે તેવા ઠરાવો, નિર્ણયો કરી વિકાસનાં બહાને બેફામ નાણાંનો દુરઉપયોગ કરી રહયા છે. વિકાસનાં નામે થતી કામગીરી આખરે જનતાને કોઈ કામ લાગતી નથી તેવો ઘાટ સર્જાયો છે. શામળદાસ ગાંધી ટાઉનહોલમાં રીપેરીંગ અને એરકંડીશન નાખવાનાં રૂા. ૬ કરોડ જેવો ખર્ચ થયો છે તેમ છતાં બે વર્ષ થયા ટાઉનહોલ બંધ છે !
નરસિંહ સરોવરનાં નિર્માણમાં રૂા. ૭૦ કરોડ વાપરવા છતાં નરસિંહ સરોવર આજે ખાલીખમ છે. આવા તો અનેક ખેલ વિકાસનાં નામે પડયા છે. મનપાનાં શાસકોની કામ કરવાની પધ્ધતિથી લોકો ત્રાસી ગયા છે. અને હવે કહે છે કે અમારે તમારો ધંડધડા વગરનો વિકાસ નથી જાેતો. અમને રસ્તા સારા બનાવી આપો અને કયારે રસ્તા બનાવી આપશો તેવો સવાલ લોકો પુછે છે તો શાસકો લોકોનાં પ્રશ્નોનો જવાબ આપી શકશે ખરા ? કે કયારે રસ્તા બનાવી આપશો.... !


