જૂનાગઢ જિલ્લા કલેક્ટરના હસ્તે ‘ખેલ મહાકુંભ-2026’ની માહિતી પુસ્તિકાનું વિમોચન

વિવિધ વયજૂથમાં ઝોન-તાલુકા કક્ષાએ 7 અને જિલ્લા કક્ષાએ 24 રમતોનું આયોજન; શાળા-ગ્રામ્ય સ્તરથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓને મળશે પ્રતિભા દર્શાવવાની તક

જૂનાગઢ જિલ્લા કલેક્ટરના હસ્તે ‘ખેલ મહાકુંભ-2026’ની માહિતી પુસ્તિકાનું વિમોચન

જૂનાગઢ તા.૨૫
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા, વધુમાં વધુ ખેલાડીઓને રમતગમત સાથે જોડવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક પૂરી પાડવાના હેતુથી ‘ખેલ મહાકુંભ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓની વિગતો આપતી માહિતી પુસ્તિકાનું જિલ્લા કલેક્ટર યોગેશકુમાર ચૌધરીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
ખેલ મહાકુંભ-2026 અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન અલગ-અલગ સ્તરે કરવામાં આવશે. જેમાં શાળા અને ગ્રામ્યકક્ષા, તાલુકા અને ઝોનકક્ષા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષા, ટીમ રમતો માટે ઝોનકક્ષા અને અંતે રાજ્યકક્ષાની સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ આવવાની તક મળી રહે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.
ખેલ મહાકુંભમાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ, એબવ-40 અને એબવ-60 સહિતના વિવિધ વયજૂથમાં સ્પર્ધાઓ યોજવામાં આવશે. ઝોન અને તાલુકાકક્ષાએ કુલ 7 રમતો તેમજ જિલ્લાકક્ષાએ 24 રમતોનું આયોજન અને સંચાલન કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા માહિતી પુસ્તિકા વિમોચન પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશકુમાર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, શિક્ષણ અધિકારી લત્તાબેન ઉપાધ્યાય, જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયા તેમજ વ્યાયામ મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ ભેટારિયા ઉપસ્થિત રહ્યા હતા.
ખેલ મહાકુંભ-2026 અંતર્ગત નિર્ધારિત કાર્યક્રમ મુજબ વિવિધ કક્ષાની રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવશે તેમ જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.