જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામેથી નકલી દૂધ ઝડપાયું
દૂધ બનાવવાના સાધનો સહીત રૂા.૮૬૬૪૦ના મુદ્દામાલ સાથે ૧ ઝડપાયો
જુનાગઢ તા.૧૬
રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતા ઈસમોને પકડવાની ચાલતી વિશેષ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી બાતમીના આધારે એક મોટા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતો ઇકબાલ ચૌહાણ નામનો શખ્સ પોતાના ઘરમાં દૂધ બનાવવાનો પાવડર અને પામોલીન તેલનો ઉપયોગ કરીને બનાવટી દૂધ બનાવી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો. તેના ઘરમાંથી આશરે ૩૫ લીટર બનાવટી દૂધ, પામોલીન તેલના ૧૩ ડબ્બા, સાગર અને અમુલ બ્રાન્ડના દૂધ બનાવવાના પાવડરના પેકેટો તથા લૂઝ પાવડર સહિત કુલ રૂા.૮૬,૬૪૦ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી છેલ્લા ૪થી ૫ મહિનાથી આ પ્રકારે બનાવટી દૂધ બનાવતો હતો. તે મેંદરડા ખાતે આવેલ મયુર ટ્રેડર્સ વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધ બનાવવાનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ મિક્સરમાં પામોલીન તેલ, પાવડર અને પાણી મિક્સ કરીને ઘટ્ટ ડુપ્લીકેટ દૂધ તૈયાર કરતો હતો.
વધુમાં આરોપી પોતાના ઘરે બનાવેલા આ ડુપ્લીકેટ દૂધને ઓરિજિનલ દૂધ સાથે ભેળવી દેતો હતો અને સવાર-સાંજ થઈને દરરોજ આશરે ૨૦થી ૨૨ કેન એટલે કે આશરે ૮૦૦ લીટર દૂધ બે પ્રાઇવેટ ડેરીઓમાં વેચતો હતો. જેમાં નાગલપુર ગામે પ્રાઇવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી અને નાંદરખી ગામે પ્રાઇવેટ ડેરી ચલાવતા મીતુલભાઈ પટેલનો સમાવેશ થાય છે.
વધુમાં તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, નાંદરખીના મીતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોનું દરરોજનું ૧૨૦૦થી ૧૫૦૦ લીટર દૂધ એકત્રિત થતું હતું, જેને તેઓ ઠંડુ કરીને માળીયા ચીલીંગ સેન્ટરમાં મોકલતા હતા. જ્યારે નાગલપુરના ડાયા રબારી પાસે રોજનું ૧૫૦૦થી ૨૦૦૦ લીટર દૂધ ભેગું થતું હતું જે વાડલા ફાટક પાસે આવેલી સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડ પકડાયા બાદ સ્થળ પર હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા બનાવટી દૂધ અને સામગ્રીના સેમ્પલ મેળવીને વધુ પરીક્ષણ અર્થે FSL કચેરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


