જૂનાગઢ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય ‘મહિલા દિવસ‘ની ઉજવણી

જૂનાગઢ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય ‘મહિલા દિવસ‘ની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)       જૂનાગઢ તા.29
જૂનાગઢ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તાજેતરમાં એક ભવ્ય ‘મહિલા દિન‘ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજની આધારશિલા એવી નારીશક્તિના મહત્વ અને પારિવારિક શાંતિમાં તેમના પ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ધૂન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરની સ્મૃતિઓનો એક સુંદર વીડિયો રજૂ કરાયો હતો. નાની બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય અને યુવતીઓ દ્વારા 'સંવાદ લક્ષ્મણ રેખા' નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંયોજક ઉમિર્લાબેન સાગર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે મહિલાઓ દ્વારા ધર્મના માર્ગે ચાલવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સંપનું વાતાવરણ નિર્માણ થાય છે. આ અવસરે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડો.શ્રુતિ ગૌસ્વામી (ઓન્કોલોજીસ્ટ), ડો.આરવી બુચ (કોસ્મેટોલોજીસ્ટ), નીતાબેન પરમાર (પૂર્વ મેયર), પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન ટીલવા અને અન્ય પ્રતિષ્ઠિત તબીબો તથા એડવોકેટ્સે હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજ અને પરિવારમાં સંસ્કારોનું સિંચન કરવા માટે મહિલાઓને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.