જૂનાગઢ લોહાણા મહાજનનો સરસ્વતી સન્માન સમારોહ, 572 રઘુવંશી વિદ્યાર્થીઓનું સન્માન
ધો.1થી 12ના 412 તેજસ્વી અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા 160 વિદ્યાર્થીઓને મેડલ-સન્માનપત્રથી નવાજાયા; નવનિર્મિત AC હોલનું લોકાર્પણ અને મંદિરમાં રામજી-જલારામ બાપાની મૂર્તિ પધરામણી
જૂનાગઢ તા.24
જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા મહાજનવાડી ખાતે તા.20 સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમોમાં મહાજનવાડીના મંદિરમાં મૂર્તિ પધરામણી, નવનિર્મિત AC હોલનું લોકાર્પણ તેમજ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહમાં ધોરણ 1થી 12ના 412 તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા 160 વિદ્યાર્થીઓ સહિત કુલ 572 રઘુવંશી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમની શરૂઆત મહાજનવાડીમાં નિર્મિત મંદિર ખાતે ભગવાન રામજી અને જલારામ બાપાની મૂર્તિની પધરામણી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહાજનવાડીમાં તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત AC હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ હોલમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે લોહાણા મહાજનના સેક્રેટરી ડૉ. સંજયભાઈ ચોલેરાએ પ્રાસંગિક પ્રવચન સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમના જણાવ્યા મુજબ સન્માન સમારોહ માટે ઓનલાઈન ગૂગલ ફોર્મના માધ્યમથી કુલ 572 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કરતા અને વિવિધ ધોરણોમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારા કુલ 412 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ, કીટ, સન્માનપત્ર અને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા 160 રઘુવંશી વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણ હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા અને સમગ્ર સમારોહ દરમિયાન ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માત્ર સન્માનિત કરવા ઉપરાંત તેમના ભવિષ્યના અભ્યાસ અને કારકિર્દીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર સચિવાલયમાં DYSO તરીકે ફરજ બજાવતા નીહીર પાંધીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી, અભ્યાસનું આયોજન અને સફળતા મેળવવા માટે જરૂરી બાબતો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગપતિ અને ગાંધીનગર રઘુવંશી સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ ઠક્કરે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમારોહમાં લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, કેળવણીકાર પ્રદીપભાઈ ખીમાણી, લોહાણા મહાપરિષદના અધ્યક્ષ પાર્થ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, રાજુભાઈ ભોજાણી, મહાજન મોભી પ્રવીણભાઈ રૂપારેલ, એડવોકેટ રસીલાબેન સોઢા, મહેશભાઈ લાખાણી, પ્રો. મનીષભાઈ નાગ્રેચા, ઉપપ્રમુખ અને લોહાણા મહાપરિષદ ઝોનલ સમિતિના અધ્યક્ષ પૂજાબેન કારીયા સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પંકજભાઈ ભટેચા, યતીનભાઈ કારીયા, શિલ્પાબેન સાગલાણી, પ્રેમલ દત્તા, જયેન્દ્રભાઈ તન્ના, કોર્પોરેટર મનન અભાણી, અલ્પાબેન ઉનડકટ, મુકેશભાઈ કારીયા, વિજયભાઈ ખખ્ખર, મનીષભાઈ સાગલાણી, સુરેશભાઈ દત્તા, સમીર દતાણી, હરેશ સેજપાલ, વીરબાઈમાં મંડળના બહેનો, મીનાબેન દત્તા અને ક્રિષ્નાબેન ચોલેરા સહિતના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેકી બુદ્ધદેવ, યુગ દેવાણી, વિશાલ રાજા, હર્ષ દેવાણી અને હરેશભાઈ ગંધા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ટીમના ગૌરવભાઈ કાનાબાર, ભાવિન ચોલેરા, વિરલ નથવાણી, પ્રવીણભાઈ પોપટ, માધવીબેન કાનાબાર, નિશાબેન રૂપારેલ અને લતાબેન લાખાણી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



