જૂનાગઢ શહેર- જીલ્લામાં તાજીયાનાં ભવ્ય ઝુલુસ યોજાયા : શહિદોને અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ
જૂનાગઢ તા. ર૭
શહાદતનાં પર્વ મહોરમ નીમિતે ગતરાત્રે જૂનાગઢ શહેર-જીલ્લામાં તાજીયાનાં ભવ્ય ઝુલુસ યોજાયા હતા. જૂનાગઢ શહેરમાં નવાબી પરંપરા મુજબની સેઝની આગેવાનીમાં પ૦થી વધુ તાજીયાઓનું ઝુલુસ નીકળ્યું હતું ગત મોડી સાંજે શરૂ થયેલું ઝુલુસ આજે વહેલી સવારે વંથલી દરવાજા સ્થિત કરબલા ખાતે કોમી એકતા અને ભાઈચારાનાં સંદેશા સાથે સંપન્ન થયું હતું. તાજીયાના સમગ્ર રૂટ પર ઠેરઠેર નયનરમ્ય રોશની, સબીલ, નિયાઝ (પ્રસાદ)નં વ્યાપક આયોજનો થયા હતા. ઝુલુસમાં રપ૦૦૦થી વધુ લોકો શામેલ થયા હતા. જૂનાગઢ શહેરનાં રાજમાર્ગો જેલરોડ, સુખનાથ ચોક, ઝાલોરાપા, ભાટીયા ધર્મશાળા રોડ, માંડવી ચોક, સર્કલ ચોક, દિવાન ચોક, ઢાલ રોડ, ચિતાખાના ચોક, ગાંધી ચોક, વંથલી દરવાજા ખાતે તાજીયાનું ઝુલુસ આખી રાત રહયું હતું. ચિતાખાના ચોકમાં અને ઢાલ રોડ ઉપર જયારે તાજીયા એક હરોળમાં આવ્યા ત્યારે ખૂબજ અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. અકીદતમંદોએ યા હુસેનનાં નારા સાથે કરબલાનાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તાજીયાના ઝુલુસ દરમ્યાન હિન્દુ-મુસ્લીમ આગેવાનોએ તંત્ર સાથે સંકલન જાળવી તાજીયાનું ઝુલુસ શાંતિથી સંપન્ન થાય તે માટે પ્રસંશનીય કાર્યવાહી કરી વ્યવસ્થા જાળવી રાખી હતી. જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલીયા ઉપરાંત એ, બી. અને સી ડીવીઝનનાં પીઆઈ સહિત ૪ પીઆઈ, ૧૬ પીએસઆઈ, ૩૮ એસઆરપી, પ૦ હોમગાર્ડ સહિતનો પોલીસ કાફલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો. તાજીયાનાં સમગ્ર રૂટ પર પોલીસ તંત્ર સતત ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. જૂનાગઢ જીલ્લામાં વંથલી, કેશોદ, માંગરોળ, માણાવદર, બિલખા, ભેસાણ, વિસાવદર, માળીયા ખાતે પણ પરંપરા મુજબ તાજીયાનાં ઝુલુસ યોજાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા તા.૧૦ ઓકટોબર ઈ.સ. ૬૮૦ અને ૧૦ મહોરમ ૬૧ હીજરીનાં દિવસે ઈરાકનાં કરબલા સ્થિત રણમાં ઈસ્લામા ધર્મનાં મહાન પેયગંબર હઝરત મહંમદ સાહેબનાં નવાસા (દોહિત્ર) હઝરત ઈમામ હુસેન અને તેમના ૭ર સાથીઓને તત્કાલીન શાસક યજિદનાં લશ્કર દ્વારા નિર્દયતાપૂર્વક શહિદ કરવામાં આવ્યા હતા. ઈમામ હુસેન અને તમેના સાથીઓએ અત્યાચારનાં પ્રતિકાર અને સત્ય અને ન્યાયને ખાતર સહાદત વહોરી લીધી હતી. આ શહાદતની યાદમાં મુસ્લીમ બિરાદરો દ્વારા સમગ્ર વિશ્વમાં મહોરમ માસ દરમ્યાન આ શહાદતને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. તાજીયા એ કરબલા સ્થિત ઈમામ હુસેનનાં મઝારની પ્રતિકૃતિ છે.


