જૂનાગઢ સહિત રાજયભરમાં લોન આપવામાં બેંકોનાં ઠાગાઠૈયા

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફટાફટ લોન મંજૂર કરે છે, પણ બેંકો પેન્ડિંગમાં મૂકી રાખે છે, એસબીઆઈ અને બેંક ઓફ બરોડા જ સૌથી વધુ લોનો અટકાવી રાખે છે

જૂનાગઢ સહિત રાજયભરમાં લોન આપવામાં બેંકોનાં ઠાગાઠૈયા

જૂનાગઢ તા.ર૩
કેન્દ્ર સરકાર દેશમાં વધુને વધુ લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે અને એમાંય ઉત્પાદન વધે એ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ ઘણી સબસિડી આપે છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનાર વર્ષોમાં યુવાનો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ થકી આર્ત્મનિભર બને એ દિશામાં પોતાની સભાઓમાં ભાષણ આપે છે. જૂનાગઢ સહિત રાજયમાં આવેલા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તુરંત સબસીડી વાળી લોન મંજૂર કરી દે છે. પરંતુ બેંકો તેને ધરાર પેન્ડિંગ મૂકી રાખે છે. અરજદારો બેંકોમાં ધક્કા ખાતા રહે છે અને મનોમન સરકારને ગાળો દેતા રહે છે. પણ બેંકો લોન નથી આપતી તે નથી જ આપતી. અત્રે નોંધનીય છે કે, બેંકોને સબસીડીવાળી લોન કરતા બીજી લોનમાં વ્યાજની વધુ કમાણી થતી હોવાથી સબસીડીવાળી લોન આપવામાં દુર્લક્ષ સેવતી હોય છે. વળી નાના ધંધાર્થીઓને સબસીડીવાળી લોન આપવામાં ઉદાસીનતા પણ એટલા માટે રખાય છે કે, તેમાં લોનની રકમ ખૂબજ નાની હોય છે. આની સામે મોટી રકમની લોન આપવામાં બેંકોને વધુ રસ હોય છે. એવા ઉદ્યોગપતિઓને બેંકો ખાસ ટ્રીટમેન્ટ પણ આપે છે. જાે કોઈ અરજદારને પહેલી વખત આપવાની હોય તો કદાચ ગ્રાહકોની સંખ્યા વધારવાની લાલચથી બેંકો તેની લોન કદાચ પાસ કરી પણ દે. અન્યથા પોતાના કાયમી નાના ગ્રાહકોને બેંકો નાની રકમની સબસીડીવાળી કે સરકારી યોજનાની લોન આપવામાં રીતસર ઠાગા ઠૈયા કરતી હોવાનું સામે આવ્યું છે.

સબસીડીવાળી લોન રિજેક્ટ થવાના આ કારણો મુખ્ય છે
•  અરજદારનો સિબિલ સ્કોર ખરાબ હોય
• બેંકને લોન અરજી ફિઝીબલ ન લાગે

ગત વર્ષની અડધો અડધ લોન પેન્ડિંગ
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જણાવ્યા મુજબ, ૨૦૨૫-૨૬ ના નાણાંકીય વર્ષમાં અમે જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૦૧૮ લોનો મંજૂર કરી છે. જેમાંથી ૫૧૯ અરજદારોને બેંકોએ લોન આપી છે. જ્યારે ૪૯૯ હજી પેન્ડિંગ છે. આ પૈકી એસબીઆઈએ ૧૮૫ અને બેંક ઓફ બરોડાએ ૧૦૪ લોન પેન્ડિંગ રાખી 
છે.

અમારી પાસે તો ફક્ત ૩૯ પેન્ડિંગ છે: બેંક ઓફ બરોડા
આ અંગે બેંક ઓફ બરોડાના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની પાસે જૂનાગઢ જિલ્લામાં ફક્ત ૩૯ લોન અરજીઓ જ પેન્ડિંગ છે. જ્યારે આ અંગે એસબીઆઈએ તો જવાબ આપવાનું જ ટાળ્યું છે.

સબસિડી સિવાયની લોન તરત મંજૂર થાય છે
સરકારની સબસિડી વાળી લોન આપવામાં જ બેંકો સૌથી વધુ વાંધા વચકા ઉભા કરે છે. જ્યારે પર્સનલ લોન કે બીજી બધી લોન કે જેમાં ઉંચો વ્યાજદર હોય એ ખુબ જ આસાનીથી મંજૂર કરી દે છે.

એક બેંક પાસે તો પોર્ટલનો પાસવર્ડ જ નથી
જૂનાગઢ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી એક રાષ્ટ્રીયકૃત બેંકની બ્રાન્ચમાં તો લાંબા સમયથી વાજપેયી બેંકેબલ યોજનાના યુઝર આઇડી અને પાસવર્ડ જ નથી. એટલેકે, એ બ્રાન્ચે તો લાંબા સમયથી વાજપેયી બેંકેબલ યોજનાની લોન જ પાસ નથી કરી.