તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા ૫૫૦ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ
થેલેસેમિયા પીડિત બાળકો માટે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૬૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૯
શ્રી તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા તા.૧૬ ઓગસ્ટ, રવિવારના રોજ માનવતાભર્યા સેવાકાર્યના ભાગરૂપે આશરે ૫૫૦ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય ગૌ.૧૦૮ વસંતકુમાર મહોદયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, રાશન કીટના મુખ્ય દાતા પરમ વૈષ્ણવ રમેશભાઈ ધડુકના પુત્ર સાવનભાઈ ધડુક, પોરબંદર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, અનિલભાઈ કારીયા, એડવોકેટ ભરતભાઈ લાખાણી, લોહાણા મહાજનના મંત્રી રાજુભાઈ લાખાણી, ડૉ. સુરેશભાઈ ગાંધી, લાખણશીભાઈ ગોરાણીયા, બ્રહ્મ ક્ષત્રિય સમાજના પ્રમુખ મુકેશભાઈ કકૈયા, મહેન્દ્રભાઈ કોટેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય દાતા રમેશભાઈ ધડુકના પુત્ર સાવનભાઈ ધડુકનું પરમ પૂજ્ય ૧૦૮ વસંતકુમાર મહોદય દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થા દ્વારા રમેશભાઈ ધડુકના સન્માનનું પત્રક પણ તેમના પુત્ર સાવનભાઈ ધડુકને અર્પણ કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા પીડિત બાળકોની સારવારમાં ઉપયોગી બને તે હેતુથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં આશરે ૬૦ જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રોત્સાહનરૂપે બ્લેન્ડર ભેટ આપવામાં આવ્યું હતું. શ્રી તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય અને માનવતાભરી પ્રવૃત્તિને ઉપસ્થિત મહાનુભાવો તેમજ લોકોએ બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂજાબેન રાજા તથા મિતાલીબેન કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું.



