દિલ્હીમાં પાક. હાઈ કમિશનની બહાર લાગેલી બેરીકેડ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
“જેવા સાથે તેવા” ભારત સરકારની સ્પષ્ટ નીતી : બે દિવસ પહેલા ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમિશનની બહાર લાગેલી બેરીકેડ દુર કરાઈ હતી
(એજન્સી) નવી દિલ્હી તા.ર૦
દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બનેલા ગેરકાયદેસર બાંધકામોન ગત મોડી રાત્રે બુલડોઝરથી હટાવવામાં આવ્યા. અધિકારીઓના
જણાવ્યા અનુસાર, આ બાંધકામો હાઈ કમિશનની નિર્ધારિત મર્યાદાનીની બહાર બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાન હાઈ કમિશનની ઓફિસ દિલ્હીના ચાણક્યપુરીના શાંતિપથ પર આવેલી છે. અહીં બેરિકેડ, ફેન્સિંગ અને વિઝા સેક્શન પાસે કતાર વ્યવસ્થાપન માટે બનાવેલા બાંધકામો પણ હટાવવામાં આવ્યા છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે બે દિવસ પહેલા ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર લગાવવામાં આવેલા સુરક્ષા બેરિકેડ અને ર્પાકિંગ પોલ હટાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હાઈ કમિશનની આસપાસ સુરક્ષા માટે ઊભી કરવામાં આવેલી વધારાની પરિમિતિ અને બેરિકેડ દૂર કરી દેવામાં આવ્યા છે. આ સાથે પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા વિભાગની બહાર કથિત ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં સામાન્ય ટ્રાફિક અવરજવર ફરી શરૂ થવાની શક્યતા છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ યથાવત છે. અહેવાલો અનુસાર, ત્રણ દિવસ અગાઉ પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય મિશનની બહારના કેટલાક સુરક્ષા અવરોધો દૂર કર્યા હતા. તેના બાદ દિલ્હીમાં પાકિસ્તાની મિશનની બહાર સુરક્ષા પરિમિતિ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. બંને ઘટનાઓના સમયક્રમને કારણે તેને ‘ટિટ-ફોર-ટેટ‘ એટલે કે એક પગલાના જવાબમાં સમાન કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા વિભાગની બહાર લાંબા સમયથી રહેલા કથિત ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે.


