દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.રર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં નહિંવત વરસાદ થયો હોય ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખા વિરોધ સાથે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લામાં આ વર્ષે સરેરાશ વરસાદના માત્ર ૬ ટકા જેટલો જ વરસાદ નોંધાયો હોય ૯૪ ટકા જેટલી વરસાદની ઘટ હોય ખેતીના પાક અને પશુધન માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કલેકટર કચેરીએ દ્વારકાધીશની છબીની પૂજા-અર્ચના કરી આવેદનપત્ર સાથે અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. આ સાથે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલીયા દ્વારા ખેડૂતલક્ષી સરકારી નીતિની પણ આકરી ઝાટકણી કાઢી હતી અને સૌની યોજના મારફતે જિલ્લાના ડેમો વર્ષ ર૦૧૯ થી ૨૦૨૬ સુધીમાં ક્યારેય ભરાયા ન હોય ડેમો ભરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ જિલ્લામાં પાંજરાપોળની વ્યવસ્થા, ઘાસચારા વિતરણ કેન્દ્રો તાત્કાલીક ધોરણે શરૂ કરવા અને ચાલુ વર્ષના જિલ્લાના ખેડૂતોના પાક ધીરાણ સંપૂર્ણપણે પણ માંગ ઉચ્ચારી હતી. ખેડૂતોની માંગ માટે સરકાર દ્વારા તાત્કાલીક ર્નિણય નહિં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.
બીજી તરફ જિલ્લાના ખેડૂતોના મતે વરસાદની ભારે ઘટને લીધે જિલ્લાના નદી-નાળા, ચેકડેમ અને કુવાના પાણીના સ્તર ઘટી ગયા હોય પીવાના પાણીની અને સિંચાઈના પાણીની પણ અછત સર્જાઈ રહી છે. સાથે જ પશુધન માટે ઘાસચારાની પણ અછત વર્તાઈ રહી છે. જેથી સરકાર તાત્કાલીક ધોરણે પાણી, ઘાસચારા અને પશુધન માટે જરૂરી વ્યવસ્થા કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના ઘટની વર્તમાન સ્થિતિને લીધે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠી રહી છે ત્યારે બીજી તરફ જિલ્લાના માલધારીઓની સ્થિતિ પણ મુશ્કેલીભરી બની રહી છે. સમયસર અને પૂરતો વરસાદ ન થવાને કારણે ખેડૂતોની સાથે સાથે પશુધન પર ર્નિભર માલધારી સમાજ પણ મુશ્કેલીમાં મૂકાયો છે. ખાસ કરીને ઓખામંડળ પંથકમાં સૌથી ઓછો વરસાદ પડયો હોય તાલુકાના માલધારીઓની હાલત સૌથી કફોડી સ્થિતિમાં છે. પશુઓ માટે પીવાના પાણી, ખાદ્ય અને ઘાસચારાની ગંભીર સમસ્યાને લીધે માલધારીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહયુ છે. માલધારીઓના મતે હાલમાં જે થોડો ઘાસચારો મળે છે તે વિશાળ પશુધન સામે ખૂબ ઓછો છે. સરકાર આ ગંભીર પરિસ્થિતિ પર ધ્યાન નહિં આપે તો આગામી સમયમાં પશુપાલકો અને મુંગા ઢ ગેરની સ્થિતિ વધુ વિકટ બની શકે તેવી ભીતિ દર્શાવી છે. આ ગંભીર સ્થિતિ જોતાં સ્થાનીય આગેવાનો અને માલધારીઓ દ્વારા જિલ્લાને સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહતના પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.